News In Short : મુંબઈ ગર્લ કિયારા જીતી સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ

26 September, 2021 03:19 PM IST  |  New Delhi | Agency

દુનિયાભરના ૧૩થી ૧૫ વર્ષના સ્કૂલના વિદ્યાર્થીઓ આ વર્લ્ડ સ્કૂલ સ્પોર્ટ્સ ગેમ્સમાં ભાગ લેતા હોય છે.

મુંબઈ ગર્લ કિયારા જીતી સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ

મુંબઈની ૧૫ વર્ષની ગર્લ કિયારા બંગેરાએ સર્બિયાના બેલ્ગ્રેડમાં ૧૧થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન યોજાયેલી અન્ડર-15 વર્લ્ડ સ્કૂલ સ્પોર્ટ્સ ગેમ્સમાં બે-બે મેડલ જીતીને કમાલ કરી હતી. બાંદરાની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલની વિદ્યાર્થી કિયારા ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ અને ૨૦૦ મીટર બટરફ્લાય સ્ટોક ઇવેન્ટમાં આ બે મેડલ જીતી હતી. દુનિયાભરના ૧૩થી ૧૫ વર્ષના સ્કૂલના વિદ્યાર્થીઓ આ વર્લ્ડ સ્કૂલ સ્પોર્ટ્સ ગેમ્સમાં ભાગ લેતા હોય છે. વર્લ્ડ સ્કૂલ સ્પોર્ટ્સ ગેમ્સમાં એ સૌથી મોટી ઇન્ટરનૅશનલ મલ્ટિ-સ્પોર્ટ્સ ઇવેન્ટ છે જેમાં દુનિયાભરના ૧૩થી ૧૫ વર્ષના સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ વખતે ૩૬ દેશના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભારત નેક્સ્ટ ઇંગ્લૅન્ડ ટૂરમાં એક ટેસ્ટ રમશે

ભારત અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે ૨૦૨૧માં ઇંગ્લૅન્ડની લિમિટેડ ઓવરની ટૂર દરમ્યાન એક ટેસ્ટ પણ રમશે. જોકે આ ટેસ્ટ મૅચ હાલમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝની બાકી રહી ગયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ હશે કે એક અલગ જ ટેસ્ટ ગણવામાં આવશે એ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી. પાંચ ટેસ્ટની સિરીઝમાં ભારત ૨-૧થી આગળ હતું અને પાંચમી ટેસ્ટ ભારતીય કૅમ્પમાં કોરોનાના પ્રવેશને લીધે નહોતી રમાઈ. એ સમયે બન્ને બોર્ડે પાંચમી ટેસ્ટ રદ કરતી વખતે કહ્યું હતું કે તેઓ આ પાંચમી મૅચનું ફરી ક્યારે આયોજન થઈ શકે એ માટે વિચારણા કરી રહ્યા છે. ભારતીય ટીમ ૨૦૨૨માં ૧થી ૧૪ જુલાઈ દરમ્યાન અંદાજે ત્રણ વન-ડે અને એટલી જ ટી૨૦ મૅચ રમવા જવાનું છે. હવે આ સમયગાળા દરમ્યાન આ એક ટેસ્ટ પણ રમાશે.

ભારત આર્ચરી ચૅમ્પિયનશિપમાં ફરી ગોલ્ડ ચૂક્યું

ભારતની મહિલા અને મિક્સ જોડી ફાઇનલમાં કોલમ્બિયા સામે હારી જતાં એણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો અને ભારતે ફરી ગોલ્ડ મેડલ જીતવાનો મોકો ગુમાવી દીધો હતો. આ ટુર્નામેન્ટમાં હજી ભારત એના પહેલા ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યું છે. ભારતે આ ઇવેન્ટમાં આઠ-આઠ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હોવા છતાં દરેક વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતનો અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેન્નમે એક પૉઇન્ટની લીડ સાથે શરૂઆત કરી હતી, પણ છેવટે કોલમ્બિયા સામે ચાર પૉઇન્ટના માર્જિનથી ૧૫૦-૧૫૪થી હાર જોવી પડી હતી. જ્યારે સાતમી ક્રમાંકિત ભારતીય મહિલા ટીમે પાંચ પૉઇન્ટના માર્જિનથી ૨૨૪-૨૨૯થી હાર જોવી પડી હતી. કોલમ્બિયાએ ચાર ગોલ્ડ સાથે તેમનો દબદબો જાળવી રાખ્યો હતો. ભારત હજી ત્રણ મેડલ જીતવાનો મોકો છે. 

પાકિસ્તાનને કૅરિબિયનનું આશ્વાસન 

ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડે ટૂર રદ કરતાં તથા ઑસ્ટ્રેલિયાએ અને વેસ્ટ ઇન્ડીઝે પુનર્વિચાર શરૂ કરી દેતાં પાકિસ્તાન બોર્ડ ભારે ટેન્શનમાં આવી ગયું હતું. જોકે હવે તેમને માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે કે વેસ્ટ ઇન્ડીઝે તેમને આશ્વાસન આપ્યું છે કે ડિસેમ્બરમાં નિર્ધારિત સિરીઝ રમવા તેઓ જરૂર આવશે. 

ભૂતપૂર્વ ખેલાડીઓની મદદ ક્રિકેટ બોર્ડ, પેન્શન પ્લાન તૈયાર

ભારતીય ક્રિકેટ બોર્ડની ઍપેક્સ કાઉન્સિલમાં ઇન્ડિયન ક્રિકેટર્સ અસોસિએશનના પ્રતિનિધિ તરીકે સામેલ ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડે જાહેર કર્યું છે કે ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શન પ્લાન તૈયાર કરી લીધો છે અને ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે અસોસિએશનની લાંબા સમયથી થઈ રહેલી માગણીઓ જેવી કે ૨૫થી ઓછી ફર્સ્ટ ક્લાસ મૅચ રમનાર ભૂતપૂર્વ ખેલાડીઓ ઉપરાંત ભૂતપૂર્વ ખેલાડીઓની વિધિવાઓ તેમ જ મહિલા ક્રિકેટરોને પણ સામેલ કરવાની આ યોજનામાં સામેલ કરી લેવામાં આવી છે. 

sports news sports cricket news