News in short: હૈદરાબાદની કૅપ્ટન્સી વિશે વૉર્નરે કહ્યું, ‘નો, થૅન્ક્સ’

27 November, 2021 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરને તાજેતરમાં પૂરી થયેલી આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ના ફ્રૅન્ચાઇઝીએ કૅપ્ટન્સીમાંથી હટાવી દીધો છે

ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરને તાજેતરમાં પૂરી થયેલી આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ના ફ્રૅન્ચાઇઝીએ કૅપ્ટન્સીમાંથી હટાવી દીધો અને પછી ટીમમાંથી પણ તેની હકાલપટ્ટી કરી એને પગલે વૉર્નરના હૈદરાબાદ સાથેના સંબંધોનો લગભગ અંત આવી ગયો છે. જોકે વૉર્નરના કેટલાક ચાહકોને હજી પણ સમાધાનની આશા છે. ગઈ કાલે એક ચાહકે ઇન્સ્ટાગ્રામ પર એસઆરએચ ફૅન પેજ પર વૉર્નરને ટીમના કૅપ્ટનપદે ફરી જોવાની આશા વ્યક્ત કરી ત્યારે વૉર્નરે ફટ દઈને જવાબમાં લખી નાખ્યું, ‘નો, થૅન્ક્સ.’

હૉકી વર્લ્ડ કપમાં ભારતે આજે જીતવું જ પડશે

ભુવનેશ્વરમાં પુરુષોના જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ગયા વખતના વિજેતા ભારતે સ્પર્ધામાં ટકી રહેવા આજે પોલૅન્ડને હરાવવું પડશે. ફ્રાન્સ સામે પ્રથમ મૅચ હાર્યા પછી કૅનેડા સામે ભારતે ૧૩-૧થી જબરદસ્ત જીત મેળવી છતાં ગ્રુપ ‘બી’માં ભારત બીજા નંબર પર ગોલના ફરકને લીધે પોલૅન્ડથી આગળ છે. જોકે ભારત માટે આજે જીતવું અત્યંત જરૂરી છે અને જો જીતશે તો ક્વૉર્ટર ફાઇનલમાં ભારતે યુરોપની ચૅમ્પિયન અને આ સ્પર્ધાની ટૉપ-સીડેડ ટીમ બેલ્જિયમ સામે રમવું પડશે. ટૂંકમાં, ભારતીય ટીમે ટાઇટલ મેળવવા આજથી બધી મૅચો જીતવી પડશે.

ભૂકંપ અને આગના બનાવ બાદ લિટન દાસની પ્રથમ સદી

બંગલા દેશના ચત્તોગ્રામમાં ગઈ કાલનો દિવસ ભૂકંપના આંચકા સાથે શરૂ થયો હતો અને ત્યાર બાદ સ્ટેડિયમની ઉપર આગ બાદ ધુમાડો જોવા મળ્યો હતો. જોકે આ ગંભીર અને આકસ્મિક ઘટના પછી શરૂ થયેલી પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બંગલા દેશના લિટન દાસે (૧૧૩ નૉટઆઉટ) પ્રથમ ટેસ્ટ-સદી નોંધાવી હતી. રમતના અંત સુધીમાં બંગલા દેશે ૪ વિકેટે ૨૫૩ રન બનાવ્યા હતા. લિટન સાથે મુશ્ફિકુર ૮૨ રને રમી રહ્યો હતો. તેમની વચ્ચે ૨૦૪ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. પાકિસ્તાન સામે ટેસ્ટમાં બે બંગલાદેશી બૅટર્સની ૨૦૦-પ્લસની પાર્ટનરશિપનો આ બીજો બનાવ છે.

એક વાક્યના સમાચાર

વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે ઇન્ડોનેશિયા ઓપન સુપર-૧૦૦૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી હતી. તેણે ક્વૉર્ટરમાં સાઉથ કોરિયાની સિમ યુજીનને ૧૪-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૪થી હરાવી હતી. પુરુષોની ડબલ્સમાં સાત્ત્વ‌િકસાઈરાજ અને ચિરાગ શેટ્ટી પણ સેમીમાં પહોંચ્યા હતા.

sports news cricket news