29 November, 2023 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ કુમાર
ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં સામેલ પેસ બોલર મુકેશકુમાર લગ્ન કરવા ગયો હોવાથી ગઈ કાલે નહોતો રમ્યો અને તેના સ્થાને આવેશ ખાનને રમવા મળ્યું હતું. દીપક ચાહરને મુકેશના સ્થાને સ્ક્વૉડમાં સામેલ કરાયો હતો. મુકેશ હવે રાયપુરની ચોથી મૅચ પહેલાં ટીમ ઇન્ડિયામાં પાછો આવી જશે. મુકેશનાં લગ્ન સારણની દિવ્યા સિંહ સાથે થઈ રહ્યાં છે.
ડેવિડ વૉર્નરને કબડ્ડી રમવાની ઇચ્છા થઈ
બીજી ડિસેમ્બરે અમદાવાદમાં શરૂ થતી પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની દસમી સીઝનને ધ્યાનમાં રાખીને તાજેતરમાં વર્લ્ડ કપ દરમ્યાન એક દિવસ ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરને પીકેએલની ગઈ સીઝનની હાઇલાઇટ્સ બતાવવામાં આવી ત્યારે તેણે કહ્યું કે મને કબડ્ડી રમવાની ખૂબ ઇચ્છા થઈ છે અને એક દિવસ હું રમીશ જ. વૉર્નરે તેમ જ સાથી-ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને પૅટ કમિન્સે આઇ.એ.એન.એસ.ને કહ્યું હતું કે તેમના મતે તેમનામાંથી માર્કસ સ્ટૉઇનિસ સારી કબડ્ડી રમી શકે
માર્શે અપમાન કર્યા બાદ હવે ટ્રોફી સિડનીની સફરે
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ અને સાથી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે સિડનીના ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપની ટ્રોફી સાથે પરેડ કરી હતી. ખાસ કરીને પત્રકારો અને કૅમેરામેન માટે આ ઇવેન્ટ રાખવામાં આવી હતી. ૧૯ નવેમ્બરે અમદાવાદમાં ભારત સામેની ફાઇનલ જીતી ગયા પછી નશામાં ધુત મિચલ માર્શ બન્ને પગ ટ્રોફી પર રાખીને બેઠો હતો જે બદલ વિશ્વભરમાં માર્શની ખૂબ ટીકા થઈ હતી. આઇસીસી સામાન્ય રીતે ઑરિજિનલ ટ્રોફી પોતાની પાસે રાખે છે અને ચૅમ્પિયન ટીમને એની રેપ્લિકા આપે છે. એ.એફ.પી.
ફિલિપ્સે પહેલી જ વાર મળેલી બોલિંગમાં લીધી ચાર વિકેટ
બંગલાદેશના સિલહટમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં બંગલાદેશે ૯ વિકેટે ૩૧૦ રન બનાવ્યા જેમાં ખાસ કરીને ઓપનર મહમુદુલ હસન જૉયના ૧૧ ફોરની મદદથી બનેલા ૮૬ રનનો સમાવેશ હતો. જોકે કિવી બૅટર ગ્લેન ફિલિપ્સે બોલિંગમાં તરખાટ મચાવ્યો હતો અને તે ગઈ કાલનો હીરો હતો. તેની આ બીજી જ ટેસ્ટ છે અને પહેલી જ વાર ટેસ્ટમાં બોલિંગ કરવા મળ્યું જેમાં તેણે ૫૩ રનમાં ૪ વિકેટ લીધી હતી. ૧૮૦ રનમાં યજમાન ટીમની બે જ વિકેટ હતી, પણ બીજા ૧૩૦ રનમાં ૭ વિકેટ પડી ગઈ હતી.
બ્રુક અને નૅટ સિવરને બૉબ વિલિસ અવૉર્ડ
ઇંગ્લૅન્ડના બૅટર હૅરી બ્રુકને ત્રણેય ફૉર્મેટમાં ચમકવા બદલ તેમ જ મહિલા ઑલરાઉન્ડર નૅટ સિવર-બ્રન્ટને ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની મૅચોમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મ કરવા બદલ બૉબ વિલિસ અવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે. નૅટ સિવર ભારતની વિમેન્સ પ્રીમિયર લીગમાં ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં હતી.
શીતલદેવી દિવ્યાંગોની તીરંદાજીમાં બની ગઈ વર્લ્ડ નંબર-વન
જમ્મુ અને કાશ્મીરની ૧૬ વર્ષની તીરંદાજ શીતલદેવી દિવ્યાંગો માટેની વિમેન્સ કમ્પાઉન્ડ ઓપન કૅટેગરીમાં વિશ્વની નવી વર્લ્ડ નંબર-વન આર્ચર બની ગઈ છે. શીતલને બન્ને હાથ નથી અને તેણે પગની મદદથી તીરના એક પછી એક સચોટ નિશાન તાક્યાં હતાં અને તીરંદાજીના ક્ષેત્રે સનસનાટી મચાવી દીધી હતી. તે એશિયન પૅરા ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી હતી.