ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો ઑલિમ્પિકના તમામ સમાચાર

30 July, 2021 02:50 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરનો નંબર લાગી ગયો; સ્વિમિંગમાં ભારતના પડકારનો અંત અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ગોલ્ફર દીક્ષા ડાગરનો નંબર લાગી ગયો

ભારતીય ગોલ્ફ ટીમને ગઈ કાલે એક ખુશખબરી મળી હતી કે મહિલા રિઝર્વ ખેલાડી દીક્ષા ડાગરને ઑલિમ્પિક ઇવેન્ટમાં એન્ટ્રી મળી ગઈ છે. ઇન્ટરનૅશનલ ગોલ્ફ અસોસિએશને ભારતીય ગોલ્ફ યુનિયનને દીક્ષાનો નંબર લાગી ગયો હોવાની જાણ કરી હતી. હવે ઑલિમ્પિકમાં બે ભારતીય મહિલા ગોલ્ફર અદિત અશોક અને દીક્ષા ડાગર મેડલ માટે દાવેદારી રજૂ કરશે. મહિલાઓની ગોલ્ફ ઇવેન્ટ પાંચમી ઑગસ્ટે શરૂ થવાની છે.

 

સ્વિમિંગમાં ભારતના પડકારનો અંત

ભારતીય સ્વિમર સાજન પ્રકાશ ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં બીજા નંબરે રહ્યો હોવા છતાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આ સાથે ટોક્યો ગેમ્સમાં સ્વિમિંગમાં ભારતીય પડકારનો અંત આવી ગયો હતો. સાજન પ્રકાશ ૫૩.૪૫ સેકન્ડના સમય સાથે બીજા નંબરે રહ્યો હતો. જોકે ક્વૉલિફાય માટે ૫૧.૭૪ સેકન્ડમાં રેસ પૂરી કરવી જરૂરી હતી.

 

બોક્સર સતિશકુમાર ક્વૉર્ટર ફાઇનલમાં

પહેલીવાર ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહેલો ભારતીય બોક્સર સતિશ કુમાર શાનદાર પફોર઼્મન્સ સાથે ક્વૉટૅર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૯૧ કિલોગ્રામ કૅટેગરીમાં ૩૨ વર્ષીય સતિશ કુમારે જમૈકાના બોક્સર રિકાર્ડો બ્રાઉનને ૪૧-થી પછાડી દીધો હતો. નેશનલ ચૅમ્પિયન સતિશ કુમાર બેવાર એશિયન ગૅમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે.

 

ટેનિસમાં મહિલા સિંગલ્સની ફાઇનલ ટક્કર બેન્સિક અને વોન્ડ્રોઉસોવા વચ્ચે

ટેનિસમાં મહિલા સિંગલ્સની ફાઇનલ સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિક અને ચેક રિપબ્લિકની માર્કેટા વોન્ડ્રોઉસોવા વચ્ચે જામશે. ગઈ કાલે સેમી ફાઇનલમાં બેન્સિકે મૅરેથૅન મૅચમાં કઝાકિસ્તાનની એલેના રિબાકિનાને ૭-૬, ૪-૬, ૬-૩થી પરાસ્ત કરી હતી, જ્યારે વોન્ડ્રોઉસાવાએ યુક્રેનની એલિના સ્વિટોલિનાને સીધા સેટમાં ૬-૩, ૬-૧થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

 

જૉકોવિચ સેમી ફાઇનલમાં

સર્બિયાનો નંબર નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચે તેનો વિજયરથ જાળવી રાખીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં તેણે જપાનના કી નિશિકોરીને આસાનીથી ૬-૨, ૬-૦થી માત્ર ૭૦ મિનિટમાં હરાવી દીધો હતો. ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર જૉકોચિવ ક્યારેય ઑલિમ્પિક્માં ગોલ્ડ જીતી નથી શક્યો અને ૨૦૦૮માં બ્રૉન્ઝ મેડલ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.

 

અમેરિકા-ઑસ્ટ્રેલિયાને આંચકો આપીને ચીને રચ્યો વર્લ્ડ રેકૉર્ડ

સ્વિમિંગમાં ૪X૪૦૦ મીટર રિલેમાં ચિને વર્લ્ડ રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની બાદશાહત ખતમ કરી હતી. ૧૯૯૬માં આ ઇવેન્ટનો સમાવેશ થયો ત્યારથી અમેરિકા અથવા ઑસ્ટ્રેલિયા જ ગોલ્ડ જીતતું આવતું હતું, પણ ગઈ કાલે ચીનની ટીમે ૭ મિનિટ ૪૦.૩૩ સેકન્ડમાં રેસ પૂરી કરીને વર્લ્ડ રેકૉર્ડ સાથે ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયાએ બનાવેલો ૭ મિનિટ અને ૪૧.૫૦ સેકન્ડનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. અમેરિકાના ૭ મિનિટ અને ૪૦.૭૩ સેકન્ડ સાથે સિલ્વર તથા ઑસ્ટ્રેલિયાએ ૭ મિનિટ અને ૪૧.૨૯ સેકન્ડ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

 

વર્લ્ડ પોલ વૉલ્ટ ચૅમ્પિયન સૅમ કોરોના થતાં આઉટ

બે વખતનો વર્લ્ડ ચૅમ્પિયન અને અમેરિકન પોલ વૉલ્ટ ખેલાડી સૅમ કેન્ડ્રિક્સનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ટોક્યો ઑલિમ્પિક્સમાંથી બહાર થઈ ગયો છે. કેન્ડ્રિક્સ ૨૦૧૭ અને ૨૦૧૯ એમ સતત બે વર્લ્ડ ચૅમ્પિયશિપમાં ચૅમ્પિયન બન્યો હતો. ૨૮ વર્ષીય કેન્ડ્રિક્સને આઇસોલેટ કરવામાં આવ્યો હતો. કેન્ડ્રિક્સના સમાચાર બાદ આર્જેન્ટિનાના પોલ વૉલ્ટ ખેલાડીએ પણ કોરોનાગ્રસ્ત થતાં ટોક્યો ગેમ્સમાં ભાગ નહીં લેવાનું જાહેર કર્યું હતું. કેન્ડ્રિક્સ પૉઝિટિવ થતાં તેની સાથે પ્રૅક્ટિસ કરી રહેલા ઑસ્ટ્રેલિયન ટ્રેક ઍન્ડ ફીલ્ડ ખેલાડીઓને પણ થોડો સમય માટે સાવધાનીના ભાગરૂપે આઇસોલેટ કરવામાં આવ્યા હતા.

 

ટોક્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, આયોજકો કહે છે, ‘અમે નથી જવાબદાર’

ઑલિમ્પિક શરૂ થયા બાદ જપાનમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જોકે ટોક્યો ગેમ્સના આયોજકો કહે છે કે એ અમારે લીધે નથી થઈ રહ્યું. ટોક્યોમાં મંગળવારે ૨૮૪૮ નવા કેસ સામે બુધવારે વધીને ૩૧૭૭ કેસ નોંધાયા હતા. પહેલી વાર ત્રણ હજારનો આંકડો પાર થતાં જપાનીઓમાં ચિંતા પ્રસરી ગઈ હતી. ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીના પ્રવકક્તા માર્ક ઍડમ્સે આ બાબતે જણાવ્યું હતું કે ખેલાડીઓની દરરોજ બરાબર તપાસ થાય છે અને અહીંથી વાઇરસ જરાય પ્રસર્યો નથી. ટોક્યો ઑલિમ્પિક્સ આયોજકોએ ગઈ કાલે વધુ ત્રણ ખેલાડીઓ સહિત એક દિવસમાં હાઇએસ્ટ  ૨૪ કોરોનાના કેસ મળ્યા હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે ગેમ્સ સાથે સંકળાયેલા અને કોરોનાગ્રસ્ત થયા હોય એની સંખ્યા ૧૯૩ પર પહોંચી છે.

sports sports news tokyo tokyo olympics 2020