ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

21 October, 2021 04:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્પિનરોનો બનશે વર્લ્ડ કપ; ૨૦ ઓવર કર્યા પછી લાયનને માથામાં ઈજા અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

સ્પિનરોનો બનશે વર્લ્ડ કપ : રાશિદ

અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-બ્રેક બોલર રાશિદ ખાને ભારપૂર્વક કહ્યું છે કે યુએઈમાં શરૂ થયેલો ટી૨૦ વર્લ્ડ કપ સ્પિનરોની ટુર્નામેન્ટ બની રહેશે. તેણે એવું પણ કહ્યું કે ‘અમારી ટીમ જો સારી બૅટિંગ કરશે તો કોઈ પણ ટીમને હરાવી શકશે.’ આઇપીએલમાં હૈદરાબાદની ટીમ વતી રમતા રાશિદને ૨૦૧૭માં ૧૮ વર્ષની ઉંમરે પહેલી વાર આઇપીએલમાં રમવા મળ્યું હતું અને હવે તે કુલ ૩૩૩ વિકેટ લેનાર વિશ્વનો સ્ટાર-સ્પિનર બની ગયો છે. તેનો આ બીજો વર્લ્ડ કપ છે. તેણે કહ્યું કે ‘યુએઈની ત્રણેય પિચો પર સ્પિનરો હંમેશાં અસરકારક સાબિત થાય છે અને અહીંની આબોહવા તથા એકંદર પરિસ્થિતિ પણ સ્પિનરોને વધુ અનુકૂળ આવે એવી હોય છે.’

 

૨૦ ઓવર કર્યા પછી લાયનને માથામાં ઈજા

ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-સ્પિનર નૅથન લાયનને મંગળવારે મેલબર્નમાં શેફીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ પહેલાંની ટ્રાયલ મૅચમાં ૨૦ ઓવર બોલિંગ કર્યા બાદ ફીલ્ડિંગ દરમ્યાન માથામાં બૉલ વાગતાં નજીવી ઈજા થઈ હતી. તેણે ૭૯ રનમાં એક વિકેટ લીધી હતી. તેણે આ ત્રણ-દિવસીય મૅચમાં રમવાનું છોડી દીધું છે અને સારવાર શરૂ કરાવી છે. ૩૩ વર્ષનો લાયન ડિસેમ્બરની ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવો ઑસ્ટ્રેલિયન ક્રિકેટને વિશ્વાસ છે.

sports sports news cricket news