ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

22 October, 2021 04:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોનાંક પટેલ અમેરિકાની ક્રિકેટ ટીમનો નવો કૅપ્ટન; છોકરીની સતામણી બદલ ક્રિકેટ કોચ સામે ગુનો નોંધાયો અને વધુ સમાચાર

મોનાંક પટેલ

મોનાંક પટેલ અમેરિકાની ક્રિકેટ ટીમનો નવો કૅપ્ટન

ગુજરાતના આણંદમાં જન્મેલો મોનાંક પટેલ અમેરિકાની ક્રિકેટ ટીમના નવા સુકાની તરીકે નિયુક્ત થયો છે. સૌરભ નેત્રાવલકરે બોલિંગ પર વધુ ધ્યાન આપવા માટે સુકાન છોડી દેવાનો નિર્ણય લેતાં મોનાંકને કૅપ્ટન્સી સોંપાઈ છે.અમેરિકાની ટીમ અમેરિકાઝ ટી૨૦ વર્લ્ડ ક્વૉલિફાયર મૅચમાં રમવાની છે અને એ પહેલાં મોનાંકને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ૨૮ વર્ષનો મોનાંક ગુજરાત અન્ડર-16 તથા ગુજરાત અન્ડર-19 ટીમ વતી રમી ચૂક્યો છે. તે યુએસએ વતી ૧૯ વન-ડે અને ૮ ટી૨૦ મૅચ રમ્યો છે જેમાં તેણે કુલ ૬૦૦થી પણ વધુ રન બનાવ્યા છે. તે ૨૦૧૮માં અમેરિકાની ટીમ સાથે જોડાયો ત્યારથી આ ટીમ વતી તેણે બૅટિંગની ઇનિંગ્સમાં સાતત્યતા બતાવી છે.

 

બંગલા દેશ વર્લ્ડ કપના સુપર-12 ગ્રુપમાં

મહમુદુલ્લાના સુકાનમાં બંગલા દેશે ગઈ કાલે ટી૨૦ વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પોતાની આખરી મૅચમાં પપુઆ ન્યુ ગિની (પીએનજી) સામે ૮૪ રનથી જીતીને સુપર-12 ગ્રુપમાં સ્થાન મેળવી લીધું છે. બંગલા દેશે મહમુદુલ્લાના ૫૦ રન અને શાકિબના ૪૬ રનની મદદથી ૭ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પીએનજીની ટીમ ૯૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. શાકિબે ચાર વિકેટ લીધી હતી.

સુપર-12 રાઉન્ડમાં પહોંચવા સ્કૉટલૅન્ડ અને ઓમાન વચ્ચે નેટ રનરેટના આધારે જોરદાર રસાકસી હતી. શ્રીલંકાને આજે નેધરલૅન્ડ્સ સામે જીતીને સુપર-12માં પહોંચવાની છેલ્લી તક છે.

અફઘાનિસ્તાને વૉર્મ-અપ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને 56 રનથી હરાવ્યું હતું.

 

ઑસ્ટ્રેલિયા સામે બોલિંગ ચડિયાતી હતીઃ  મંધાના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાનની ડ્રૉ ટેસ્ટ-મૅચને બાદ કરતાં મર્યાદિત ઓવર્સની ક્રિકેટની બે સિરીઝ હારી જતાં કુલ ૫-૧૧ની હાર સાથે નિરાશ જરૂર થઈ છે, પરંતુ સ્ટાર-ઓપનર સ્મૃતિ મંધાનાએ આ હારમાં પણ ભારતીય ખેલાડીઓની ખાસિયત પર પ્રકાશ પાડ્યો છે. તેણે ગઈ કાલે હૉબાર્ટમાં કહ્યું, ‘અમારા બોલર્સે ઑસ્ટ્રેલિયાની પિચ પર એની જ બૅટર્સને સંઘર્ષ કરાવ્યો એ બહુ મોટી વાત કહેવાય. તેમના કરતાં ભારતીય બોલરોની બોલિંગ ઘણી સારી હતી. ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ અને શિખા પાન્ડેની બોલિંગ કમાલની હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમે પરાજયમાં પણ ઘણી પૉઝિટિવ બાબતો હાંસલ કરી હતી.’

 

સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં, પણ શ્રીકાંત હારી ગયો

ડેન્માર્ક ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધામાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેણે થાઇલૅન્ડની હરીફ બુસેનન ઑન્ગબામરન્ગફૅન સામે ઘણો સંઘર્ષ કરીને ત્રણ ગેમમાં વિજય મેળવ્યો હતો. ૬૭ મિનિટ સુધી ચાલેલી પ્રી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં સિંધુનો ૨૧-૧૬, ૧૨-૨૧, ૨૧-૧૫થી વિજય થયો હતો. પુરુષોના વર્ગમાં આ સ્પર્ધાનો ભૂતપૂર્વ ચૅમ્પિયન કિદામ્બી શ્રીકાંત બીજા રાઉન્ડમાં જપાનના વર્લ્ડ નંબર વન ખેલાડી કેન્તો મોમોટા સામે ૪૩ મિનિટમાં ૨૧-૨૩, ૯-૨૧થી હારી ગયો હતો.

 

છોકરીની સતામણી બદલ ક્રિકેટ કોચ સામે ગુનો નોંધાયો

પુડુચેરીથી મળેલા આઇએએનએસના અહેવાલ મુજબ ૧૬ વર્ષની જુનિયર ક્રિકેટર પુડુચેરીના સિનિયર ક્રિકેટર અને કોચ થમરાઇકન્ન પર શારીરિક સતામણી અને અસભ્ય વર્તનનો આક્ષેપ કર્યો છે જેને પગલે પોલીસે આ કોચ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. છોકરીએ આક્ષેપ કર્યો છે કે ‘કોચે મને ઘણી વાર મેસેજ મોકલ્યા હતા જેમાં તેણે લખ્યું હતું કે તેને હું બહુ ગમું છું અને જો હું આ પ્રેમનો સ્વીકાર નહીં કરું તો તે મને કોચિંગ આપવાનું બંધ કરશે. મેં વિરોધ કર્યો હોવા છતાં કોચે ઘણી વાર મારા ખભા, પીઠ અને છાતી પર હાથ મૂક્યો હતો.’

sports sports news cricket news