ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

02 December, 2021 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એશિયન સ્ક્વૉશમાં ભારતે પાકિસ્તાનને ૨-૧થી હરાવી દીધું; પ્રો કબડ્ડીની ૮મી સીઝન બાવીસમી ડિસેમ્બરથી અને વધુ સમાચાર

ગઈ કાલે ગૉલમાં મેન્ડિસને પોતાની છ વિકેટની સિદ્ધિ પછી એ બૉલ ભેટમાં મળ્યો હતો (તસવીર : એ.એફ.પી.)

મેન્ડિસની છ વિકેટથી ટેસ્ટમાં રસાકસી વધી : શ્રીલંકાની પહેલી બન્ને વિકેટમાં બૅટર થઈ ગયા રનઆઉટ

ગૉલમાં ચાલતી બીજી ટેસ્ટમાં ગઈ કાલે ત્રીજા દિવસે શ્રીલંકાના સ્પિનર રમેશ મેન્ડિસે છ વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટને વધુ રોમાંચક બનાવી દીધી હતી. તેણે પહેલી વાર દાવમાં પાંચથી વધુ વિકેટ લીધી છે. ગઈ કાલની રમતને અંતે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર બે વિકેટે ૪૬ રન હતો. બન્ને શ્રીલંકન બૅટર દિમુથ કરુણારત્ને અને ઓશાડા ફર્નાન્ડો રનઆઉટ થયા હતા.
એ પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે પહેલા દાવમાં ૨૫૩ રન બનાવીને યજમાન ટીમ સામે ૪૯ રનની સરસાઈ મેળવી હતી. જોકે કૅરિબિયનોને આટલા ઓછા સ્કોરમાં આઉટ કરવામાં રમેશ મેન્ડિસ (૩૪.૨-૮-૭૦-૬)ની સૌથી મોટી ભૂમિકા હતી. એક તબક્કે તે બે બૉલમાં જેસન હોલ્ડર અને જોશુઆ ડા’સિલ્વાની વિકેટ લઈને હૅટ-ટ્રિક પર હતો, પરંતુ એમાં તેને સફળતા નહોતી મળી. શ્રીલંકાએ પહેલા દાવમાં ૨૦૪ રન બનાવ્યા હતા. શ્રીલંકા બે મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ ૧૮૭ રનથી જીત્યું હતું.

 

એશિયન સ્ક્વૉશમાં ભારતે પાકિસ્તાનને ૨-૧થી હરાવી દીધું

ક્વાલા લમ્પુરની એશિયન સ્ક્વૉશ ટીમ ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે ભારતના પુરુષોની સ્ક્વૉશ ટીમે પાકિસ્તાનને ૨-૧થી હરાવીને આ વખતની સ્પર્ધામાં અપરાજિત રહેવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. સૌરવ ઘોષાલ મહત્ત્વની મૅચ જીત્યો હતો. ૫૬ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં સૌરવ પાકિસ્તાનના તૈયબ અસલમ સામેની પહેલી બે ગેમ ૯-૧૧, ૭-૧૧થી હારી ગયા બાદ ત્રણ ગેમ ૧૧-૧, ૧૧-૭, ૧૧-૮થી જીતી ગયો હતો. અગાઉની બે મૅચમાં મહેશ માનગાંવકર હારી ગયો હતો, પણ રમિત ટંડન જીત્યો હતો. એ પહેલાં ભારતે જપાનને ૩-૦થી હરાવ્યું હતું. ગ્રુપ ‘અે’માં ભારત મોખરે અને પાકિસ્તાન બીજા સ્થાને છે. આજે ભારતની ઇન્ડોનેશિયા સામે મૅચ છે.

 

મહિલા વર્લ્ડ કપ પહેલાં ભારતની એક જ સિરીઝ

આગામી માર્ચ-એપ્રિલમાં ન્યુ ઝીલૅન્ડમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે, પરંતુ ચાર મહિના પછીની એ સ્પર્ધા પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એક જ સિરીઝ રમાશે એટલે તેમને મૅચ-પ્રૅક્ટિસ કરવાનો બહુ ઓછો મોકો મળશે. આ સિરીઝ યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે જ રમાવાની છે. જોકે કૅપ્ટન મિતાલી રાજનું માનવું છે કે ‘વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ શક્ય એટલી શ્રેષ્ઠ પૂર્વતૈયારીઓ કરી રહી છે. છેલ્લા ૯ મહિનામાં આપણી ટીમ ત્રણ બેસ્ટ ટીમ (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા) સામે રમી છે એટલે અમને ઘણો સારો અનુભવ મળી ચૂક્યો છે.’

 

પ્રો કબડ્ડીની ૮મી સીઝન બાવીસમી ડિસેમ્બરથી

પ્રો કબડ્ડી લીગની આઠમી સીઝન આગામી બાવીસમી ડિસેમ્બરથી બૅન્ગલોરમાં રમાશે. પ્રેક્ષકો વિના જ આ સ્પર્ધાની મૅચો રમાશે. પ્રથમ મૅચ યુ મુમ્બા અને બેંગલુરુ બુલ્સ વચ્ચે રમાશે. બીજો મુકાબલો તેલુગુ ટાઇટન્સ અને તામિલ થલાઇવાસ વચ્ચે રમાશે. બેંગાલ વૉરિયર્સ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે.

 

હવે ઘણા સ્પિનરોને ટેસ્ટમાં રમવાની મહેચ્છા નથી હોતી : શિવરામકૃષ્ણન

ભારતના ભૂતપૂર્વ લેગ-સ્પિનર એલ. શિવરામકૃ્ષ્ણને ગઈ કાલે એક વર્ચ્યુઅલ ચર્ચામાં કહ્યું હતું કે ‘અત્યારે ક્રિકેટજગતમાં જેટલા પણ લેગ-સ્પિનરો છે એમાંથી ભાગ્યે જ કોઈ સ્પિનરને ટેસ્ટ-ક્રિકેટમાં રમવાની મહેચ્છા હોય છે.’ શેન વૉર્ન અને અનિલ કુંબલે જેવા લેજન્ડરી લેગ-સ્પિનરોની નિવૃત્તિ પછી લાંબા સમય સુધી ટેસ્ટમાં ઊંડી છાપ પાડી શકે એવો કોઈ લેગ-સ્પિનર નથી જોવા મળ્યો. શિવા તરીકે ઓળખાતા શિવરામકૃષ્ણને એવું પણ કહ્યું હતું કે ‘હવે તો મોટા ભાગના લેગ-સ્પિનરો વાઇટ બૉલની મૅચોમાં (મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં) જ રમીને ખુશ હોય છે. આ જોઈને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે.’

 

એમયુની કંપનીએ યુએઈની ટી૨૦ ફ્રૅન્ચાઇઝી ખરીદી

ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટોચની ફુટબૉલ ક્લબ મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ના સહ-અધ્યક્ષ ઍવરમ ગ્લેઝરની કંપની લૅન્સર કૅપિટલે ક્રિકેટ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તેમણે યુએઈ ટી૨૦ લીગની એક ફ્રૅન્ચાઇઝી ખરીદી લીધી છે. આ સ્પર્ધા એમિરેટ્સ ક્રિકેટ બોર્ડની છે અને એમાં ફ્રૅન્ચાઇઝી ખરીદવા સંબંધમાં મુંબઈ ઇન્ડિયન્સ તથા કલકત્તા નાઇટ રાઇડર્સનાં નામ પણ બોલાય છે.

 

વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં સિંધુ અને શ્રીકાંતના વિજયી શ્રીગણેશ

ઇન્ડોનેશિયાના બાલીમાં શરૂ થયેલી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ નામની બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ભારતીય પ્લેયરો પી. વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે વિજયી શરૂઆત કરી હતી. વર્લ્ડ ચૅમ્પિયન સિંધુએ પ્રથમ રાઉન્ડમાં ડેન્માર્કની લીન ક્રિસ્ટોફર્સેનને ૨૧-૧૪, ૨૧-૧૬થી હરાવી હતી, જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન શ્રીકાંતનો ફ્રાન્સના ટૉમા જુનિયર પૉપોવ સામે ૨૧-૧૪, ૨૧-૧૬થી વિજય થયો હતો.

sports sports news