વેસ્ટ ઇન્ડીઝની ૯ હાર પછી પ્રથમ જીત : બે નવા સ્પિનર્સ ચમક્યા

19 August, 2022 12:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન વિલિયમસનના ૩૪ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે કુલ ૧૯૦ રન બનાવ્યા હતા

બે નવા કૅરિબિયન સ્પિનર કેવિન સિન્કલેર (ડાબે) અને યાનિક કૅરિઆએ બુધવારે વન-ડે કરીઅર શરૂ કરી હતી.

નિકોલસ પૂરનના સુકાનમાં વેસ્ટ ઇન્ડીઝે બુધવારે બ્રિજટાઉનમાં ન્યુ ઝીલૅન્ડને પ્રથમ વન-ડેમાં ૬૬ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. એટલું જ નહીં, વેસ્ટ ઇન્ડીઝ લાગલગાટ ૯ વન-ડે હાર્યા પછી પહેલી વાર જીત્યું છે.

ઑફ સ્પિનર કેવિન સિન્કલેર (૧૦-૦-૩૭-૧) અને લેગ સ્પિનર યાનિક કૅરિઆ (૯-૦-૪૯-૧)ના પોતાની પહેલી જ વન-ડેમાં પર્ફોર્મન્સ તો સાધારણ હતા, પરંતુ તેમણે એક-એક ખૂબ મહત્ત્વની વિકેટ લઈને કેન વિલિયમસનની ટીમને કાબૂમાં રાખવામાં મોટું યોગદાન આપ્યું હતું. સિન્કલેરે વિકેટકીપર ટૉમ લૅથમ (૧૨ રન)ની વિકેટ અને યાનિકે આક્રમક બૅટર માઇકલ બ્રેસવેલ (૩૧ રન)ની વિકેટ લીધી હતી.

કૅપ્ટન વિલિયમસનના ૩૪ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે કુલ ૧૯૦ રન બનાવ્યા હતા. કૅરિબિયન સ્પિનર અકીલ હોસેઇને ૨૮ રનમાં ત્રણ, પેસ બોલર અલ્ઝારી જોસેફે ૩૬ રનમાં ત્રણ અને જેસન હોલ્ડરે ૩૯ રનમાં બે વિકેટ લીધી હતી. કૅરિબિયન ટીમે શામરા બ્રુક્સ (૭૯ રન, ૯૧ બૉલ, એક સિક્સર, નવ ફોર)ના સૌથી મોટા યોગદાનથી ૩૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૩ રન બનાવીને વિજય મેળવ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉધીએ બે-બે વિકેટ અને મિચલ સૅન્ટનરે એક વિકેટ લીધી હતી. બ્રુક્સને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

આજે બીજી વન-ડે (ભારતીય સમય મુજબ રાતે ૧૧.૩૦ વાગ્યાથી) રમાશે.

sports sports news cricket news west indies new zealand