01 September, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
દિલ્હી પ્રીમિયર લીગ 2025માં શુક્રવારે રાતે એલિમિનેટર મૅચમાં રસાકસીનો જંગ જોવા મળ્યો હતો. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે પાંચ વિકેટે ગુમાવીને ૨૦૧ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ દિલ્હી લાયન્સે કૅપ્ટન નીતીશ રાણાના પંચાવન બૉલમાં ૧૩૪ રનની ઇનિંગ્સના આધારે ૧૭.૧ ઓવરમાં ૩ વિકેટે ૨૦૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૨૪૩.૬૪ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરનાર નીતીશ રાણા ૮ ફોર અને ૧૫ સિક્સર ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
આ રસાકસીના જંગમાં બન્ને ટીમના પ્લેયર્સ વચ્ચે બોલાચાલી થઈ હતી જેને કારણે પાંચ પ્લેયર્સ પર ૩૦થી ૧૦૦ ટકા મૅચ-ફીનો દંડ થયો છે. IPLમાં પોતાના સેલિબ્રેશનને કારણે બૅનનો સામનો કરનાર સ્પિનર દિગ્વેશ રાઠી (સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ)એ નીતીશ રાણા (વેસ્ટ દિલ્હી લાયન્સ) સાથે અપમાનજનક અને રમતની ભાવના વિરુદ્ધ વર્તન કરવા બદલ અનુક્રમે ૮૦ તથા ૫૦ ટકા મૅચ-ફીનો દંડ થયો હતો. આ સિવાય ક્રિશ યાદવ (વેસ્ટ દિલ્હી લાયન્સ)ને અપશબ્દો બોલવા બદલ ૮૦ ટકા, અમન ભારતી (સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ)ને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવા બદલ ૩૦ ટકા, સુમિત માથુર (સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ)ને પણ ગેરવર્તન બદલ ૫૦ ટકા મૅચ-ફીનો દંડ થયો છે.
ગરમીને કારણે એશિયા કપની સાંજની મૅચો અડધો કલાક મોડી શરૂ થશે
યુનાઇડેટ આરબ એમિરેટ્સ (UAE)માં આગામી ૯થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત T20 એશિયા કપ 2025 વિશે મોટી અપડેટ સામે આવી છે. ભારે ગરમીને કારણે આગામી એશિયા કપની ૧૯માંથી ૧૮ મૅચનો સમય અગાઉના નિર્ધારિત સમય કરતાં અડધો કલાક આગળ ધપાવવામાં આવ્યો છે. સુધારેલા સમય મુજબ મૅચ સ્થાનિક સમય મુજબ સાંજે ૬:૩૦ વાગ્યે એટલે કે ભારતીય સમય મુજબ રાતે ૮ વાગ્યે શરૂ થશે. ૧૫ સપ્ટેમ્બરની UAE-ઓમાન વચ્ચેની ટુર્નામેન્ટની એકમાત્ર ડે-મૅચનો ચાર વાગ્યાનો સ્થાનિક સમય જાળવી રાખવામાં આવ્યો છે.