11 December, 2025 02:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બ્લેયર ટિકનરે ૪ વિકેટ લીધા પછી બાઉન્ડરી બચાવવામાં ઈજાગ્રસ્ત થઈને હૉસ્પિટલ ભેગા થવું પડ્યું હતું.
વૅલિન્ટનમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ૩ ટેસ્ટ-મૅચની સિરીઝની બીજી ટેસ્ટ શરૂ થઈ હતી. પ્રથમ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં કમાલના ફાઇટબૅક સાથે હારને ડ્રૉમાં ફેરવનાર વેસ્ટ ઇન્ડીઝ ટીમ ગઈ કાલે માત્ર ૨૦૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. દિવસના અંત સુધીમાં યજમાન કિવી ટીમે વિના વિકેટે ૨૪ રન બનાવ્યા હતા.
પ્રથમ ડ્રૉ ટેસ્ટના હીરો સેન્ચુરિયન શાઈ હોપ ૪૮ અને ડબલ સેન્ચુરિયન જસ્ટિન ગ્રીવ્સ માત્ર ૧૩ જ રન બનાવી શક્યો હતો. ૩ વિકેટે ૧૫૩ રનની પ્રમાણમાં સારી શરૂઆત બાદ કૅરિબિયનો ૨૦૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. બે વર્ષ બાદ કમબૅક કરી રહેલો મિડિયમ પેસર બ્લેયર ટિકનરે ૩૨ રનમાં ૪ અને માઇકલ રૅએ ૬૭ રનમાં ૩ વિકેટ લીધી હતી.
અનેક ખેલાડીઓની ઇન્જરીને લીધે બે વર્ષ બાદ ટીમમાં ટિકનરને કમબૅક કરવા મળ્યું હતું. તેણે ૪ વિકેટ સાથે સિલેક્ટરોના વિશ્વાસને સાર્થક પણ કર્યો હતો, પણ એક બાઉન્ડરી બચાવવા જતાં ઇન્જર્ડ થયો હતો અને સ્ટ્રેચર પર મેદાનની બહાર જવું પડ્યું હતું. વધુ તપાસ માટે તેને હૉસ્પિટલમાં પણ લઈ જવો પડ્યો હતો.
કિવીઓની ઇન્જર્ડ ઇલેવન
કિવી ટીમને ખરેખર ભારે પનોતી બેસી છે અને એક-બે નહીં પણ ૧૦-૧૦ ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. મૅટ હેન્રી, લૉકી ફર્ગ્યુસન, વિલ ઓરુર્કે, ઍડમ મિલ્ને, બેન સિયર્સ, નૅથન સ્મિથ, મિચલ સૅન્ટનર, ફિન ઍલન, ટૉમ બ્લન્ડેલ અને મૅટ ફિશર બાદ હવે ટિકનર પણ સામેલ થઈ ગયો છે.