વિમેન્સ વન-ડે ઇતિહાસનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને કિવી ટીમે કરી કમાલ

02 April, 2026 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન મેલી કેરના અણનમ ૧૭૯ રનના જોરે ૪૯.૪ ઓવરમાં ૮ વિકેટે ગુમાવીને ૩૫૦ રન ફટકાર્યા

અણનમ ૧૭૯ રનની સૉલિડ ઇનિંગ્સ રમીને કૅપ્ટન મેલી કેરે ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.

ન્યુ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટ-ટીમે ગઈ કાલે ઇતિહાસ રચી દીધો હતો. બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકન મહિલા ટીમે આપેલો રેકૉર્ડબ્રેક ૩૪૭ રનનો ટાર્ગેટ બે બૉલ બાકી રાખીને, ૮ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો અને સિરીઝ ૧-૧થી બરાબરી કરી લીધી હતી. પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકન ટીમ બે વિકેટથી વિજય થઈ હતી અને હવે ત્રીજી અને નિર્ણાયક મૅચ શનિવારે રમાશે.

ભારતનો રેકૉર્ડ તોડ્યો

ભારતીય મહિલા ટીમે ગયા વર્ષે ઑક્ટોબરમાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૩૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઇતિહાસ રચી દીધો હતો. પાંચ મહિનામાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે ૩૪૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને એક નવો રેકૉર્ડ બનાવી દીધો હતો. પ્રથમ બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકન મહિલા ટીમે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૪૬ રન બનાવ્યા હતા અને ન્યુ ઝીલૅન્ડે કૅપ્ટન મેલી કેરની ૧૩૯ બૉલમાં એક સિક્સર અને ૨૩ ફોર સાથે અણનમ ૧૭૯ રનની ઇનિંગ્સના દમ પર ૪૯.૪ ઓવરમાં ૮ વિકેટે ૩૫૦ રન ફટકારીને ઐતિહાસિક જીત મેળવી લીધી હતી. આમ મૅચમાં ૯૯.૪ ઓવરમાં કુલ ૬૯૬ રન બન્યા હતા.

કેર છે કમાલની

કિવી કૅપ્ટન મેલી કેરે અણનમ ૧૭૯ રનની ઇનિંગ્સ સાથે ટીમને હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરાવી દીધો હતો. ૧૭૯ રનની ઇનિંગ્સ મહિલા વન-ડે ઇતિહાસમાં ચેઝ કરતી વખતની હાઇએસ્ટ બની ગઈ હતી. વન-ડેમાં ૨૩૨ રનનો હાઇએસ્ટ વ્યક્તિગત રનનો રેકૉર્ડ પણ મેલી કેરના નામે છે. તેણે ૨૦૧૮માં આયરલૅન્ડ સામે માત્ર ૧૭ વર્ષની ઉંમરે આ રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ રમી હતી.

new zealand south africa cricket news sports news sports