ગુણાથિલકા , ડિકવેલા અને મેન્ડિસ પર એક વર્ષનો બૅન

01 August, 2021 04:35 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન કોવિડ-19ના પ્રોટોકોલના ઉલ્લઘંન બદલ આ પ્રતિબંધ ઉપરાંત માટે એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારાયો.

ઇસુરુ ઉદાના

ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન કોવિડ-19 પ્રોટોકોલને ભૂલીને રાતે રસ્તા પર લટાર મારવાનું શ્રીલંકન ક્રિકેટર નિરોશન ડિકવેલા, દનુષ્કા ગુણાથિલકા અને કુસલ મેન્ડિસને ભારે પડી ગયું છે. તેમને એ સિરીઝમાંથી ઘરભગા કરી દેવામાં આવ્યા હોવા ઉપરાંત ભારત સામેની સિરીઝમાં પણ તેમને નહોતા રમાડવામાં આવ્યા. હવે ડિસિપ્લિનરી કમિટીની ભલામણ પ્રમાણે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે આ ત્રણેય ખેલાડીઓને એક વર્ષ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બૅન કરી દીધા છે. આ ‍ઉપરાંત તેમને દરેકને એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ પ્રતિબંધ દરમ્યાન તેઓ ૬ મહિના સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નહીં રમી શકે.

કમિટીએ લંકન બોર્ડને ત્રણેયને બે વર્ષ માટે બૅન કરવાની ભલામણ કરી હતી, પણ બોર્ડે એ ઘટાડીને એક વર્ષનો કરી નાખ્યો હતો અને એને બદલે તેમની દંડની રકમની ભલામણ કરતાં બમણી કરી નાખવામાં આવી હતી.

ઇસુરુ ઉદાનાએ કરી સંન્યાસ લેવાની જાહેરાત

ભારત સામેની સિરીઝમાં રમનાર શ્રીલંકન પેસ બોલર ઇસુરુ ઉદાનાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ઉદાના જોકે ડૉમેસ્ટિક ક્રિકેટ અને ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં રમતો રહેશે.

ઉદાના શ્રીલંકા વતી ૨૧ વન-ડે અને ૩૫ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં શ્રીલંકન ટીમમાં આ બીજી રિટાયરમેન્ટની જાહેરાત હતી. આ પહેલાં થિસારા પરેરાએ પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી. ઉદાના આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં બૅન્ગલોર ટીમમાં રમે છે.

ભારત સામેની જીત બદલ ૧૦,૦૦૦ ડૉલરનું ઇનામ

ભારત સામેની ટી૨૦ સિરીઝમાં લંકન ટીમના ૨-૧થી વિજય બદલ ખુશ થઈને બોર્ડે ટીમને ૧૦,૦૦૦ ડૉલરના ઇનામની જાહેરાત કરી છે. શ્રીલંકાની ટીમ ૨૦૦૮ બાદ પહેલી વાર ભારત સામે સિરીઝ જીતી હતી.

sports news cricket news sri lanka