ICCએ જિદ્દી બંગલાદેશ ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું, વર્લ્ડ કપ રમવાનો નિર્ણય ૨૧ જાન્યુઆરી સુધીમાં લેવો પડશે

20 January, 2026 03:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ પોતાની જીદ પર અડગ રહેશે તો એના સ્થાને સ્કૉટલૅન્ડને મળશે વર્લ્ડ કપ રમવાની તક

T20 વર્લ્ડ કપ 2026

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના T20 વર્લ્ડ કપ 2026 વિવાદ પર મોટી અપડેટ સામે આવી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બંગલાદેશ ક્રિકેટ બોર્ડને આગામી ૨૧ જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. બંગલાદેશ ક્રિકેટ ટીમ ભારતમાં સુરક્ષિત નથી એવો દાવો કરીને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ વેન્યુ અને ગ્રુપમાં ફેરફાર કરવાની જીદ કરી રહ્યું છે. 
શનિવારે ઢાકામાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સાથે થયેલી ચર્ચામાં ICCએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાંથી બંગલાદેશી ટીમ માટે કોઈ સુરક્ષા-ખતરો નથી. ICC સામે જો બંગલાદેશ પોતાની જીદ પર અડગ રહેશે તો એના સ્થાને બીજી ટીમ પસંદ કરવામાં આવશે. વર્તમાન રૅન્કિંગના આધારે બંગલાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને વર્લ્ડ કપ રમવાની તક મળશે. ૨૦૦૭થી ૨૦૨૪ સુધીમાં સ્કૉટલૅન્ડની ટીમ ૬ વખત આ ફૉર્મેટનો વર્લ્ડ કપ રમી છે.

જો બંગલાદેશનો મુદ્દો ઉકેલાશે નહીં તો પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં પોતાની ભાગીદારી પર પુનર્વિચાર કરશે

બંગલાદેશ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડ કપ વિશે વિવાદ ઊભો કરે એવા અહેવાલ છે. મળતા અહેવાલ અનુસાર જો બંગલાદેશની માગણી વિશેનો મુદ્દો ઉકેલાશે નહીં તો પાકિસ્તાન ૨૦૨૬ના T20 વર્લ્ડ કપમાં પોતાની ભાગીદારી પર પુનર્વિચાર કરશે. એવા પણ અહેવાલ મળ્યા છે કે બંગલાદેશ સરકારે સમર્થન માટે પાકિસ્તાનનો સંપર્ક કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બંગલાદેશની વર્લ્ડ કપ મૅચોનું આયોજન કરવાની તૈયારી દર્શાવી છે.

bangladesh indian cricket team cricket news international cricket council t20 world cup sports news sports