17 March, 2025 05:39 PM IST | Melbourne | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાની મૂળનો ઑસ્ટ્રેલિયન ખેલાડી જુનૈદ ઝફર
ક્રિકેટ મૅચ દરમિયાન ખેલાડીઓને હાર્ટ ઍટક આવી જતાં તેમના મૃત્યુના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ખેલાડીનું મેદાનમાં જ મૃત્યુ થયું હતું. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ તે બચી શક્યો નહીં.
દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મૅચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળનો ખેલાડી જુનૈદ ઝફર જમીન પર પડી ગયો. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. આ દુ:ખદ ઘટના એડિલેડના કોનકોર્ડિયા કૉલેજ ઓવલમાં રમાયેલી મૅચ દરમિયાન બની હતી.
ઑસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે કોનકોર્ડિયા કૉલેજમાં ભારે ગરમીમાં મૅચ રમાઈ રહી હતી. જુનૈદ ઝફર ઓલ્ડ કોનકોર્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. હવામાન અહેવાલ મુજબ, પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કૉલેજિયન્સ સામેની આ મૅચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. 40 વર્ષીય જુનૈદ ઝફર સાંજે 4 વાગ્યાની આસપાસ બૅટિંગ કરતી વખતે અચાનક પીચ પર પડી ગયો હતો. તે મેદાન પર બેભાન થઈ ગયો પછી, અન્ય ખેલાડીઓ અને સ્ટાફ તેને એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ ગયા. મેડિકલ ટીમે તેને CPR આપ્યા પણ તેને બચાવી શકાયો નહીં. આ સમયે જુનૈદ ૩૭ બૉલમાં ૧૬ રન બનાવીને રમી રહ્યો હતો.
જુનૈદના મૃત્યુનું કારણ બન્યું ગરમ હવામાન
ઑસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મૅચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. જુનૈદે પહેલી 40 ઓવર ફિલ્ડિંગ કરી અને પછી બૅટિંગ કરવા આવ્યો હતો. જુનૈદ પાકિસ્તાનનો છે પણ રોજગારની શોધમાં 2013 માં ઑસ્ટ્રેલિયાના એડિલેડ આવ્યો હતો.
ક્લબે શોક વ્યક્ત કર્યો
ક્રિકેટ ક્લબે ક્રિકેટરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે જુનૈદ ઝફરના મૃત્યુથી તેઓ ખૂબ જ દુઃખી છે. તબીબી ટીમે તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ કમનસીબે તેમને બચાવી શકાયા નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.
મુંબઈમાં પણ બની હતી આવી જ ઘટના
વસઈ તાલુકાના કોપરગાવમાં રહેતા ૨૭ વર્ષના સાગર વઝેએ પણ આવી જ રીતે જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની હતી. સાગરે બૅટિંગ કરતી વખતે બે બૉલમાં બે સિક્સ મારી હતી. આથી ક્રિકેટ મૅચ માણી રહેલા લોકોએ વધુ એક સિક્સ ફટકારવાની માગણી કરી હતી ત્યારે સાગર પિચમાં આગળ જઈને બૉલને ફટકારવા ગયો હતો, પણ બૉલને સાગર ફટકારે એ પહેલાં જ ઢળી પડ્યો હતો. સાગર ખૂબ જ સારો બૅટ્સમૅન હતો એટલે તે આસપાસના લોકોમાં ઘણો લોકપ્રિય હતો એટલે તેનું આવી રીતે અચાનક મૃત્યુ થવાથી ક્રિકેટરસિકોની સાથે ગામવાસીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.