30 July, 2026 02:00 PM IST | Trinidad | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
પાકિસ્તાની ટીમ વિદેશની ધરતી પર ટેસ્ટ-મૅચમાં પરાજયના સિલસિલાને જાળવી રાખીને મંગળવારે રાત્રે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટમાં ૯૦ રનથી હારી ગઈ હતી. ૨૧૧ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૧૨૦ રન બનાવી ઑલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝે ૧-૦થી લીડ લીધી હતી. બીજી અને છેલ્લી ટેસ્ટ રવિવારથી શરૂ થશે.
પ્રથમ ઇનિંગ્સમાં ૨૯ રનથી પાછળ પડ્યા બાદ બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૮૧ રનમાં ઑલઆઉટ કરીને પાકિસ્તાને કમબૅક કર્યું હતું, પણ બૅટરો પાણીમાં બેસી ગયા હતા અને ૭૧ રનમાં જ ૯ વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લી વિકેટ માટે બાબર આઝમ (અણનમ ૫૮) અને મોહમદ અબ્બાસ (૨૩ રન) વચ્ચે ૪૯ રનની પાર્ટનરશિપે ટીમને ૧૦૦ રનનો આંકડો પાર કરાવી આપ્યો હતો, પણ હારને ટાળી નહોતા શક્યા. પેસ બોલર જેડન સીલ્સે ૨૦ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ૨૭ રનમાં પાંચ અને બીજી ઇનિંગ્સમાં ૧૨ રનમાં બે વિકેટ બદલ પેસ બોલર જસ્ટિન ગ્રીવ્સ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. છેલ્લી પાંચ ટેસ્ટમાં ચોથો અને વિદેશમાં પાકિસ્તાનનો આ સતત આઠમો પરાજય હતો. તેમનો ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયામાં ત્રણેય મૅચમાં, સાઉથ આફ્રિકામાં અને બંગલાદેશમાં બન્ને ટેસ્ટમાં અને મંગળવારે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી ટેસ્ટમાં પરાજય થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં પાકિસ્તાન આ પરાજય સાથે નવમા અને છેલ્લા નંબરે ધકેલાઈ ગયું છે અને ફાઇનલની રેસમાંથી ઑલમોસ્ટ આઉટ થઈ ગયું છે.
૧૭ જુલાઈએ અવસાન પામનાર કૅરિબિયન લેજન્ડ સર ગૅરી સોબર્સની મંગળવારે ૯૦મી વર્ષગાંઠ હતી અને વેસ્ટ ઇન્ડીઝે ૯૦ રનથી જીત મેળવીને તેમને બર્થ-ડે ગિફ્ટ આપી હતી.