27 November, 2025 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોરિયોગ્રાફર ગુલનાઝ ખાન સાથે પલાશ
ક્રિકેટર સ્મૃતિ માન્ધના અને મ્યુઝિશ્યન પલાશ મુચ્છલની લગ્નવિધિ મુલતવી થતાં જ સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. એક ચર્ચા પ્રમાણે લગ્નના એક દિવસ પહેલાં પલાશે ઇવેન્ટની કોરિયોગ્રાફરને કિસ કરી હતી અને એ રીતે સ્મૃતિને ચીટ કરી હતી જેને કારણે લગ્ન કૅન્સલ કરવામાં આવ્યાં છે. આ ચર્ચાને સમર્થન આપતા કોઈ સત્તાવાર પુરાવા કે પુષ્ટિ હાલમાં નથી થઈ છતાં આને માટે કોરિયોગ્રાફર ગુલનાઝ ખાનને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
રિપોર્ટ પ્રમાણે કોરિયોગ્રાફર બૉસ્કો-સીઝરની ડાન્સ-ટીમે સ્મૃતિ–પલાશના સંગીતની કોરિયોગ્રાફી કરી હતી. હવે આ ટીમની એક સભ્ય ગુલનાઝ ખાન પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે તેના અને પલાશના સંબંધોને કારણે જ લગ્ન છેલ્લી ઘડીએ કૅન્સલ કરવામાં આવ્યાં છે. સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે આ સમગ્ર મામલામાં ગુલનાઝના નામનો ખુલાસો થતાં પલાશે સોશ્યલ મીડિયામાં ગુલનાઝને ‘અનફૉલો’ કરી દીધી છે.
કોણ છે ગુલનાઝ ખાન?
ગુલનાઝ ખાન મુંબઈ બેઝ્ડ કોરિયોગ્રાફર છે. સોશ્યલ મીડિયા પરની તેની પ્રોફાઇલ મુજબ તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં ૧૧ વર્ષથી કાર્યરત છે. તેણે ૨૦૦૬થી બૉસ્કો-સીઝરની ટીમ સાથે કામ શરૂ કર્યું હતું અને હજી પણ તે આ ટીમનો ભાગ છે. તે એક પ્રોફેશનલ, વર્સેટાઇલ ડાન્સર, અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર, ઍક્ટર અને ઇવેન્ટ-પ્લાનર છે. છેલ્લાં ૪ વર્ષથી તે ઇવેન્ટ-પ્લાનિંગ પણ કરે છે. ગુલનાઝે તેની કરીઅરમાં રામ ચરણ, શાહિદ કપૂર, રાશા થડાણી, યો યો હની સિંહ, સિદ્ધાંત ચતુર્વેદી, જૅકલિન ફર્નાન્ડિસ અને કૅટરિના કૈફ જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
સ્મૃતિના ભાઈ અને બેસ્ટ ફ્રેન્ડે પલાશને કર્યો અનફૉલો
સ્મૃતિ માન્ધના અને પલાશ મુચ્છલનાં લગ્ન સ્મૃતિના પપ્પાને અચાનક હૃદયની તકલીફ થતાં છેલ્લી ઘડીએ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કર્યા પછી કૅન્સલ થયાં હોવાની ચર્ચા છે. આ નિર્ણય પાછળ લગ્નના આગલા દિવસે પલાશે અન્ય મહિલા સાથે સંબંધ રાખીને સ્મૃતિને છેતરી હોવાની ઘટના જવાબદાર હોવાનું મનાય છે. જોકે હજી સુધી બન્ને પક્ષમાંથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એક સોશ્યલ મીડિયા પોસ્ટે પરિસ્થિતિની ગંભીરતા જણાવી છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્મૃતિના ભાઈ શ્રવણ માન્ધનાએ સોશ્યલ મીડિયા પર પલાશને ‘અનફૉલો’ કરી દીધો છે. એ સિવાય સ્મૃતિની બેસ્ટ ફ્રેન્ડ અને ક્રિકેટર રાધા યાદવે અને રાધિકા ઠાકુરે પણ પલાશને અનફૉલો કર્યો છે. સ્મૃતિએ પણ સોશ્યલ મીડિયા પરથી પલાશની પ્રપોઝલ સહિતની લગ્ન સાથે સંકળાયેલી તમામ પોસ્ટ હટાવી દીધી છે.
પલાશ મુચ્છલ પર પડ્યો સેક્સટિંગ બૉમ્બ
હાલમાં પલાશે સોશ્યલ મીડિયામાં એક યુવતી સાથે ફ્લર્ટી-ચૅટ કરી હોવાના સ્ક્રીનશૉટ વાઇરલ થતાં હોબાળો મચ્યો હતો. હવે સોશ્યલ મીડિયા પર વધુ એક પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં એક યુવતીએ દાવો કર્યો કે પલાશે મારો સેક્સટિંગ માટે કૉન્ટૅક્ટ કર્યો હતો. યુવતીના શૅર કરેલા સ્ક્રીનશૉટ્સ મુજબ પલાશે તેને મેસેજ કર્યો હતો, પરંતુ તે પહેલાંથી સ્મૃતિ સાથે કમિટેડ હોવાથી તેણે પલાશની અવગણના કરી હતી. યુવતીનો એવો પણ દાવો છે કે મારી પાસે પલાશનો નંબર પણ છે.
જોકે કેટલાક લોકો માને છે કે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ વધ્યો હોવાથી સોશ્યલ મીડિયામાં આવેલી દરેક પોસ્ટ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે અને આ પોસ્ટ ફેક પણ હોઈ શકે છે.
પલાશ મુચ્છલ ઘૂંટણિયે પડીને સ્મૃતિ માન્ધનાની જેમ જ ભૂતપૂર્વ પ્રેમિકાને કરી ચૂક્યો છે પ્રપોઝ
પલાશની એક જૂની તસવીર ચર્ચામાં આવી છે. આ તસવીરમાં પલાશ ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કરતો ક્લિક થયો છે. પલાશે તેની હાલની ગર્લફ્રેન્ડ સ્મૃતિને પણ આ જ રીતે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું હતું અને તેની એ તસવીરો તેમ જ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં હતાં.
મળતી પ્રમાણે પલાશની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કરતી તસવીર ૨૦૧૭ની છે અને આ યુવતી પ્લાસ્ટિક સર્જ્યન બિરવા શાહ છે. કહેવાય છે કે પલાશ અને સ્મૃતિની ઓળખ ૨૦૧૯માં થઈ હતી અને બન્નેએ પોતાની રિલેશનશિપ ગયા વર્ષે જાહેર કરી હતી. જોકે લગ્ન મુલતવી થતાં સ્મૃતિએ સોશ્યલ મીડિયા પરથી ચુપચાપ પોતાનો પ્રપોઝલ વિડિયો અને એન્ગેજમેન્ટ અનાઉન્સમેન્ટનો વિડિયો હટાવી દીધો છે.
સ્મૃતિ માન્ધના ‘કૌન બનેગા કરોડપતિ’માં શા માટે જોવા નહીં મળે?
સ્મૃતિ માન્ધના અને પલાશ મુચ્છલનાં લગ્ન છેલ્લી ઘડીએ અટકી જતાં સોશ્યલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે આને કારણે આઘાતમાં આવી ગયેલી સ્મૃતિએ ગઈ કાલે શૂટ થનારા ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૭મી સીઝનના સ્પેશ્યલ એપિસોડમાંથી પોતાને દૂર રાખવાનો નિર્ણય લીધો છે પરંતુ હકીકત અલગ છે. આ શોના મેકર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ આ ગેરસમજ દૂર કરે છે.
પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો એક ખાસ એપિસોડ ‘કૌન બનેગા કરોડપતિ’ ૨૬ નવેમ્બરે શૂટ થવાનો હતો. આ શોમાં એ મહિલાઓનાં નામ આપવામાં આવ્યાં છે જેઓ આ એપિસોડનો ભાગ બનશે. ખાસ બાબત એ છે કે સ્મૃતિ માન્ધનાનું નામ આ યાદીમાં નહોતું એટલે એ સ્પષ્ટ છે કે તે આ એપિસોડમાં પહેલાંથી જ સામેલ નથી. હકીકતમાં શૂટિંગની તારીખો અને સ્મૃતિની લગ્નની તારીખો ક્લૅશ થતી હોવાથી તે શરૂઆતથી જ આ એપિસોડનો ભાગ બનવાની નહોતી.
‘કૌન બનેગા કરોડપતિ’ના આ સ્પેશ્યલ એપિસોડમાં હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે હરમનપ્રીત કૌર, હરલીન કૌર દેઓલ, રિચા ઘોષ, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા અને ટીમના હેડ કોચ અમોલ મઝુમદાર જોવા મળશે.