24 December, 2025 10:52 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઍશિઝ ટેસ્ટ-સિરીઝ ૩-૦થી જીતનાર યજમાન ટીમના બે સ્ટાર પ્લેયર્સ ફિટનેસની ચિંતાઓને કારણે બાકીની બે મૅચમાંથી બહાર થઈ ગયા છે. રેગ્યુલર કૅપ્ટન પૅટ કમિન્સ માત્ર ત્રીજી મૅચમાં ઊતરીને સિરીઝ-જીત સુનિશ્ચિત કરીને પીઠની ઇન્જરીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્ર્યુ મૅક્ડોનાલ્ડે કહ્યું હતું કે ‘T20 વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરતાં પહેલાં પૅટ કમિન્સની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે ચેક-ઇન સ્કૅન કરવામાં આવશે. જોકે હાલમાં તેની વર્લ્ડ કપ ભાગીદારી અત્યંત અનિશ્ચિત છે.’
અનુભવી સ્પિનર નૅથન લાયન પણ સિરીઝમાંથી બહાર થયો છે. ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે તેને હૅમસ્ટ્રિંગની ઇન્જરી થઈ હતી. મળતી માહિતી અનુસાર તેણે સર્જરી કરાવવી પડશે. સ્ટૅન્ડ ઇન કૅપ્ટન સ્ટીવ સ્મિથ બાકીની બે મૅચમાં ટીમની કમાન સંભાળશે.
ઑસ્ટ્રેલિયા સામે ઍશિઝ સિરીઝ રમી રહેલી ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ માટે ચોંકાવનારો દાવો થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર ઇંગ્લૅન્ડના કેટલાક ખેલાડીઓએ બીજી અને ત્રીજી ઍશિઝ ટેસ્ટ-મૅચ વચ્ચેના ૯ દિવસના અંતરાલમાં ૬ દિવસ દારૂ પીધો હતો. બીચ-વેકેશન દરમ્યાન પણ કેટલાક પ્લેયર્સ રેસ્ટોરાંમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા.
ઇંગ્લૅન્ડના ક્રિકેટ-ડિરેક્ટર રોબ કીએ આ વિશે કહ્યું હતું કે ‘ખેલાડીઓ સતત ૬ દિવસ દારૂ પીતા હોવાની વાર્તાઓ અસ્વીકાર્ય છે. અમે અતિશયોક્તિપૂર્ણ વાર્તાઓ કરતાં વાસ્તવિક તથ્યોની તપાસ કરીશું. જો એ સાચું હોય કે એ બૅચલર-પાર્ટી બની ગઈ અને પ્લેયર્સ વધુ પડતું પીતા રહ્યા હોય તો એ અસ્વીકાર્ય છે. હું દારૂ પીવાની સંસ્કૃતિ સાથે સહમત નથી. મને દારૂ પીવાની સંસ્કૃતિ પસંદ નથી.’