13 April, 2025 07:34 AM IST | Lisbon | Gujarati Mid-day Correspondent
જોઆના ચાઇલ્ડે ૬૪ વર્ષ અને ૧૮૫ દિવસની ઉંમરે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને સૌને ચોંકાવ્યા
ક્રિકેટમાં લોકો સામાન્ય રીતે વીસથી ૨૨ વર્ષની ઉંમરે પોતાનું ડેબ્યુ કરે છે અને ૪૦ વર્ષની ઉંમર સુધીમાં નિવૃત્તિની જાહેરાત પણ કરે છે, પણ પોર્ટુગલની મહિલા ટીમનાં એક મીડિયમ ફાસ્ટ બોલર જોઆના ચાઇલ્ડે ૬૪ વર્ષ અને ૧૮૫ દિવસની ઉંમરે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને સૌને ચોંકાવ્યા હતા. IPLના ઓલ્ડેસ્ટ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૪૩ વર્ષ) કરતાં ૨૧ વર્ષ મોટાં આ ક્રિકેટરે હાલમાં નૉર્વે સામે સિરીઝમાં પહેલી વાર પ્રોફેશનલ ક્રિકેટ રમી હતી. જોકે તેઓ કોઈ ખાસ કમાલ કરી શક્યાં નહોતાં.
૧૫ અને ૧૬ વર્ષની ઉંમરની પ્લેયર ધરાવતી પોર્ટુગલની મહિલા ટીમમાં રમીને તેમણે સાબિત કર્યું છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. મેન્સ અને વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેઓ બીજાં સૌથી મોટી ઉંમરે ડેબ્યુ કરનાર પ્લેયર છે. ગયા વર્ષે બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી જિબ્રાલ્ટરની વિમેન્સ ટીમ માટે સૅલી બાર્ટને ૬૬ વર્ષ ૩૩૪ દિવસની ઉંમરે ડેબ્યુ કરીને સૌથી મોટી ઉંમરે ડેબ્યુ કરવાનો રેકૉર્ડ કર્યો હતો.