15 April, 2026 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચના અવૉર્ડ સાથે ૨૪ વર્ષનો ફાસ્ટ બોલર પ્રફુલ્લ હિંગે, વરુણ ઍરોન સાથે પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસેન
વિદર્ભના નાગપુરમાં જન્મેલા ૨૪ વર્ષના જમણા હાથના પેસ બોલર પ્રફુલ્લ હિંગેએ ડેબ્યુ મૅચની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ધમાલ મચાવી હતી. તેણે ૧૩ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેણે પપ્પા સામે ક્રિકેટ ક્લબમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે બે વખત ના પાડ્યા છતાં દીકરાની જીદ સામે ઝૂકીને તેની ક્રિકેટ-કરીઅરનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રફુલ્લ હિંગે પહેલાં બૅટર બનવા માગતો હતો, પણ પપ્પાના કહેવાથી તેણે ફાસ્ટ બોલર તરીકે કરીઅર આગળ વધારી હતી.
પ્રફુલ્લ હિંગેએ વિદર્ભ માટે ૧૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨.૮૫ના ઇકૉનૉમી-રેટથી ૨૭ વિકેટ લીધી છે. ૬ લિસ્ટ-A ક્રિકેટ મૅચમાં પાંચ વિકેટ લીધી છે. વિદર્ભ પ્રો T20 લીગ 2025માં તેણે ૬ મૅચમાં ૮ વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૅકગ્રાના નેતૃત્વ હેઠળની MRF પેસ ઍકૅડેમીમાં તે ટ્રેઇનિંગ લઈ ચૂક્યો છે અને બ્રિસબેનમાં સમય વિતાવી આવ્યો છે. ભૂતકાળમાં તેને પીઠની ઇન્જરી થઈ હતી એ સમયે MRF પેસ ઍકૅડેમીના ફિઝિયો અને વરુણ ઍરોને તેને ખૂબ સપોર્ટ કર્યો હતો.
IPLમાં પહેલી ઓવરમાં કોઈ બોલરે પહેલી વખત ત્રણ વિકેટ લીધી હોય એવી પહેલી ઘટના સોમવારે પ્રફુલ્લ હિંગેની ઓવરમાં બની હતી. નાગપુરમાં જન્મેલો પ્રફુલ્લ હિંગે પહેલાં બૅટર બનવા માગતો હતો, પણ પપ્પાના કહેવાથી તે રાઇટ આર્મ પેસ બોલર બન્યો હતો.
મેં આવા ડેબ્યુની કલ્પના કરી હતી. ગયા વર્ષે મેં ક્યાંક લખ્યું હતું કે જ્યારે પણ હું મારી પહેલી IPL-મૅચ રમીશ ત્યારે હું ચોક્કસપણે ચાર કે પાંચ વિકેટ લઈશ. હું પાવર ઑફ મૅનિફેસ્ટિંગમાં માનું છું
- પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ પ્રફુલ્લ હિંગે
વરુણ ઍરોનના કોચિંગ હેઠળ ચમક્યા IPLના નવા ડાયમન્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈ કાલે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસેન પોતાની પહેલી મૅચના શાનદાર પ્રદર્શન માટે ફાસ્ટ બોલિંગ કોચ વરુણ ઍરોનને શ્રેય આપતાં જોવા મળ્યા હતા. કોચ વરુણ ઍરોને હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ જેવા મુખ્ય ફાસ્ટ બોલર્સને બેસાડીને આ યંગસ્ટર્સને મેદાન પર ઉતારવાનો બોલ્ડ નિર્ણય લીધો હતો.
ભારત માટે ૯ ટેસ્ટ-મૅચ અને ૯ વન-ડે મૅચ રમનાર ૩૬ વર્ષનો વરુણ ઍરોન કહે છે, ‘બે ડેબ્યુ ખેલાડીઓને આ રીતે બોલિંગ કરતા જોવું એ મારી ટીમ માટે એક સપનું સાકાર થવા જેવું છે. બન્નેને મેં પહેલી મૅચમાં માત્ર રમતનો આનંદ માણવા કહ્યું હતું, કારણ કે ડેબ્યુ મૅચ ખાસ હોય છે.’
વરુણ ઍરોન વર્તમાન સીઝનમાં જ પહેલી વખત કોઈ ટીમમાં કોચ તરીકે જોડાયો છે.