31 August, 2026 09:36 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
એશિયા કપમાં જેમિમા રૉડ્રિગ્સને રિપ્લેસ કરનાર ટૉપ ઑર્ડર બૅટર પ્રતીકા રાવલે કર્યું T20 ડેબ્યુ
વિમેન્સ એશિયા કપ 2026માં થાઇલૅન્ડ સામે અભિયાનની શરૂઆત કરનાર ટીમ ઇન્ડિયા માટે પ્રતીકા રાવલે ડેબ્યુ કર્યું હતું. દિલ્હીની પચીસ વર્ષની ટૉપ ઑર્ડર બૅટર પ્રતીકા રાવલ ઇન્જર્ડ સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સના સ્થાને ભારતીય સ્ક્વૉડમાં સામેલ થઈ હતી.
કૅપ્ટન હરમનપ્રીત કૌરના હાથે ગઈ કાલે દુબઈમાં પ્રતીકા રાવલને T20 ડેબ્યુ કૅપ મળી હતી. પ્રતીકા રાવલ પહેલી મૅચમાં ૧૮ બૉલમાં બે ફોર અને એક સિક્સની મદદથી બાવીસ રન કરીને બોલ્ડ થઈ હતી. ડિસેમ્બર ૨૦૨૪થી ભારત માટે રમનાર પ્રતીકા રાવલે ૨૭ વન-ડે મૅચમાં બે સદી અને ૮ ફિફ્ટીના આધારે ૧૧૮૯ રન કર્યા છે, જ્યારે એક ટેસ્ટ-મૅચમાં ૮૧ રન કર્યા હતા.
વિમેન્સ એશિયા કપ 2026ની થાઇલૅન્ડ સામેની પહેલી મૅચમાં ભારતીય વાઇસ-કૅપ્ટન અને ઓપનર સ્મૃતિ માન્ધનાએ મોટી સિદ્ધિ મેળવી છે. થાઇલૅન્ડ સામે સ્મૃતિ માન્ધના ગઈ કાલે ૧૦ બૉલમાં ચાર ફોરની મદદથી ૧૯ રન કરીને રન-આઉટ થઈ હતી. પહેલો ફોર ફટકારીને જ સ્મૃતિ માન્ધના વિમેન્સ ઇન્ટરનૅશનલના હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં ન્યુ ઝીલૅન્ડની ભૂતપૂર્વ ક્રિકેટ સુઝી બૅટ્સ (૧૦,૭૪૦ રન)ને પછાડીને બીજા ક્રમે પહોંચી ગઈ હતી. સ્મૃતિ માન્ધનાએ ૩૦૧ મૅચોમાં ૧૦,૭૫૬ રન કર્યા છે. ભારતની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજ આ લિસ્ટમાં ૩૩૩ મૅચમાં ૧૦,૮૬૮ રન સાથે પહેલાં ક્રમે છે. સ્મૃતિ નંબર વનના તાજથી ૧૧૪ રન પાછળ છે.
મેન્સ ઇન્ટરનૅશનલમાં પણ બે ભારતીય ખેલાડીઓ હાઇએસ્ટ રન-સ્કોરરના લિસ્ટમાં ટૉપ ટૂના સ્થાને છે. સચિન તેન્ડુલકરે ૧૯૮૯થી ૨૦૧૩ વચ્ચે ૬૬૪ મૅચોમાં ૩૪,૩૫૭ રન કર્યા હતા. વિરાટ કોહલી ૨૦૦૮થી હમણાં સુધી ૫૬૨ મૅચોમાં ૨૮,૩૫૯ રન કરી ચૂક્યો છે. વિરાટ કોહલી સચિનથી ૫૯૯૮ રન પાછળ ચાલી રહ્યો છે. જોકે મેન્સ અને વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટના ટૉપ બૅટર્સમાં ભારતીઓના દબદબાથી ભારતીય ક્રિકેટનું ગૌરવ વધ્યું છે.
સ્વિટ્ઝરલૅન્ડના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી રૉજર ફેડરરને ગઈ કાલે આઇલૅન્ડના ન્યુ પોર્ટમાં ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ૪૫ વર્ષના રૉજર ફેડરરે ૨૦૨૨ સુધીની પોતાની શાનદાર કરીઅરમાં ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં હતાં.
રૉજર ફેડરરે પોતાની સ્પીચ દરમ્યાન પોતાની પત્ની, પરિવાર, કોચ અને ટેનિસ ઇતિહાસના સૌથી ભવ્ય કારકિર્દીમાંના એકને આકાર આપવામાં મદદ કરનારી વ્યક્તિઓને યાદ કર્યાં હતાં. લગભગ અડધા કલાક લાંબા ભાષણ દરમ્યાન રૉજર ફેડરર વારંવાર થોભતો રહ્યો. એક સમયે તેમણે મજાકમાં કહ્યું કે મારાં આંસુઓને કારણે થતા વિક્ષેપો મને બીજા દિવસના સૂર્યોદય સુધી બોલતા રોકી રહ્યાં છે.
વિમેન્સ T20 એશિયા કપ 2026ની બીજી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાએ યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે ૯ વિકેટે જીત નોંધાવી હતી. દુબઈમાં યજમાન ટીમે ૧૯.૫ ઓવરમાં ઑલઆઉટ થઈને ૭૯ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં શ્રીલંકાએ ૭.૫ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૮૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
૭૩ બૉલ પહેલાંની જીત સાથે શ્રીલંકાએ બાકી બૉલના હિસાબે પોતાની સૌથી મોટી T20 જીત નોંધાવી હતી.
UAEની ભારતીય મૂળની કૅપ્ટન એશા ઓઝાએ ૨૪ બૉલમાં સૌથી વધુ ૧૮ રન નોંધાવ્યા હતા. તેની ટીમે ૧૪.૨ ઓવરમાં ૫૬ રનના સ્કોર પર અડધી વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકન ફાસ્ટ બોલર ચેતના વિમુક્તિએ ૧૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકન ઓપનર ઇમેશા દુલાની ૧૮ બૉલમાં પચીસ રન કરીને રનઆઉટ થઈ હતી. કૅપ્ટન ચમારી અથાપટ્ટુએ પચીસ બૉલમાં ૭ ફોર અને બે સિક્સની મદદથી અણનમ ૪૮ રન ઝૂડ્યા હતા.
શ્રીલંકા હવે ૨૦૨૭માં યોજાનારી પ્રથમ ICC મહિલા ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે નહીં. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે સતત મૅનેજમેન્ટ સંઘર્ષને કારણે દેશના ક્રિકેટ વહીવટને વધુ એક આંચકો લાગ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ હાલમાં સરકાર દ્વારા નિયુક્ત એક કમિટી દ્વારા સંચાલિત છે. આ વ્યવસ્થાને કારણે ICCના સભ્ય બોર્ડ સ્વતંત્ર રીતે અને સરકારી દખલ વિના કાર્ય કરે એ નિયમનું પાલન નથી થઈ રહ્યું. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ટ્રાન્સફોર્મેશન કમિટીના સેક્રેટરી પ્રકાશ શાફ્ટરે પુષ્ટિ આપી કે શ્રીલંકાએ યજમાની અધિકારો ગુમાવી દીધા છે. ટુર્નામેન્ટને હવે શ્રીલંકાથી દૂર ખસેડવામાં આવશે.
મૂળ છ ટીમોની આ ટુર્નામેન્ટ જે મૂળ રીતે આવતા વર્ષે ૧૪થી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન યોજાવાની હતી એ હવે વૈકલ્પિક સ્થળે યોજાશે. નવા યજમાન વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી ICC બોર્ડ મીટિંગ દરમ્યાન નિર્ણય લેવાની અપેક્ષા છે.
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જાવાગલ શ્રીનાથનો બૅન્ગલોરના નમ્મા મેટ્રોમાં મુસાફરી કરતો એક ફોટો વાઇરલ થયો છે. ૫૬ વર્ષનો શ્રીનાથ નિયમિત મુસાફરો વચ્ચે ટ્રૉલી બૅગ સાથે ઊભો જોવા મળ્યો હતો. તેણે ૬૭ ટેસ્ટ-મૅચમાં ૨૩૬ વિકેટ અને ૨૨૯ વન-ડે મૅચમાં ૩૧૫ વિકેટ લીધી હતી.
એક ફૅને કમેન્ટ કરી કે સાચો દરજ્જો ત્યારે મળે છે જ્યારે તમને સ્ટેટસની પરવા ન કરવાની સ્વતંત્રતા હોય. બીજી વ્યક્તિએ લખ્યું કે ‘ખૂબ આદર. દરેક સેલિબ્રિટીએ આ કરવું જોઈએ. શ્રીનાથ ૨૦૦૩માં નિવૃત્ત થયા પછી ICC મૅચ-રેફરી તરીકે કામ કરી રહ્યો છે.
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના ડાબા હાથ પર એક નવું ટૅટૂ કરાવ્યું છે. વિરાટ કોહલીએ પાણીનાં ટીપાં અને તરંગ જેવું એક અનોખું ટૅટૂ કરાવ્યું છે. એલિયન્સ ટૅટૂ સ્ટૂડિયોના પેજ પરથી હાલમાં આ ફોટો શૅર કરવામાં આવ્યા છે.
આ ડિઝાઇન ગોળાકાર અને તરંગ જેવી છે જેમાં કેન્દ્રીય બિન્દુમાંથી નીકળતી અનેક વક્ર રેખાઓ છે જે ફરતી તરંગ અથવા વમળની છાપ બનાવે છે. કોહલીના શરીર પર અનેક ટૅટૂ છે જેમાં તેનાં મમ્મી-પપ્પા, ભગવાન શિવ અને ઓમના નામનો સમાવેશ થાય છે.