પંજાબ પ્લેઑફની રેસમાં ટકી રહેવા અને લખનઉ વિજયી વિદાયના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે

23 May, 2026 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝનની પહેલી ટક્કરમાં ૨૫૪ રનનો સ્કોર ડિફેન્ડ કરીને પંજાબે ૫૪ રને લખનઉને હરાવ્યું હતું, એકાના સ્ટેડિયમમાં ત્રણ મૅચમાં માત્ર એક હારનો સામનો કર્યો છે પંજાબે...

ભારતીય વન-ડે ટીમમાં સ્થાન મેળવનાર પ્રિન્સ યાદવ સાથે પ્રૅક્ટિસ દરમ્યાન મશ્કરી કરતો અર્શદીપ સિંહ

IPL 2026ની ૬૮મી ટક્કર આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં થશે. પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ અલગ ટાર્ગેટ સાથે પોતાની છેલ્લી લીગ-સ્ટેજ મૅચ રમવા ઊતરશે. પંજાબે પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે આ મૅચ જીતવી જરૂરી છે, જ્યારે તળિયાની ટીમ લખનઉ વિજયી વિદાય સાથે ટુર્નામેન્ટનો અંત લાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

રિષભ પંતની ટીમ લખનઉ ૧૩ મૅચમાં ૪ જીત, ૯ હાર અને ૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલ પર ૧૦મા ક્રમની ટીમ છે. છેલ્લી મૅચમાં રાજસ્થાન સામે ૨૨૧ રનનો ટાર્ગેટ સેટ કરવા છતાં લખનઉને ૭ વિકેટે હાર મળી હતી. શ્રેયસ ઐયરની પંજાબ ટીમ ૧૩ મૅચમાં ૬ જીત, ૬ હાર અને એક નો-રિઝલ્ટ મૅચને કારણે ૧૩ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. પહેલી ૭ મૅચમાં અપરાજિત રહ્યા બાદ આ ટીમને લાગલગાટ ૬ મૅચમાં હાર મળી છે.

૨૦૨૪ બાદ પંજાબ લખનઉ સામે સતત ત્રણ મૅચ જીત્યું છે. છેલ્લી સીઝનની બે મૅચમાં અનુક્રમે ૮ વિકેટ અને ૩૭ રને જીત મળી હતી, જ્યારે વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે ૨૫૪ રનનો સ્કોર ડિફેન્ડ કરીને ૫૪ રને જીત નોંધાવી હતી.

લખનઉના હોમગ્રાઉન્ડ પર પંજાબની ટીમ ૩ મૅચમાં બે જીત અને એક હારનો સામનો કરી ચૂકી છે. પંજાબ આ તમામ મૅચ લખનઉ સામે રમ્યું હતું. લખનઉને પંજાબ સામેની પોતાની અંતિમ જીત ૨૦૨૪માં આ મેદાન પર મળી હતી.

એકાના સ્ટેડિયમમાં લખનઉ ૨૭ મૅચમાંથી ૧૧ મૅચ જીત્યું છે અને ૧૫ મૅચમાં હાર મળી છે. જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. અહીં વર્તમાન સીઝનની ૬ મૅચમાંથી લખનઉ પોતાની અંતિમ બે ટક્કરમાં બૅન્ગલોર અને ચેન્નઈ સામે જીત્યું હતું. 

shreyas iyer punjab kings lucknow super giants IPL 2026 cricket news sports news