16 May, 2026 05:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
IPL 2026માં સતત ૭ મૅચમાં અપરાજિત રહ્યા બાદ પંજાબ કિંગ્સને છેલ્લી પાંચ મૅચમાં લાગલગાટ હાર મળી છે. પ્લેઑફની દાવેદારી માટે ૧૩ પૉઇન્ટ ધરાવતી આ ટીમે બૅન્ગલોર અને લખનઉ સામેની બન્ને મૅચ જીતવી પડશે. ૨૫ એપ્રિલ પછી આ ટીમ એક પણ મૅચ ન જીતીને ગુરુવાર સુધી ટૉપ ફોર ટીમમાં સામેલ હતી.
કૅપ્ટન તરીકે શ્રેયસ ઐયર મુંબઈ સામે ૬ વર્ષ બાદ મૅચ હાર્યો છે. ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સ તરફથી આ મુંબઈકર મુંબઈની ટીમ સામે ફાઇનલ મૅચ હાર્યો હતો. એ પછી સતત ૭ મૅચમાં તેણે કૅપ્ટન તરીકે કલકત્તા અને પંજાબ તરફથી રમીને મુંબઈને કારમી હાર આપી હતી.
IPLમાં કૅપ્ટન તરીકે ૨૦૦+ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરવાના મામલે શ્રેયસ ઐયર સૌથી વધુ મૅચ હાર્યો છે. આવી પરિસ્થિતિમાં તે ૨૦ મૅચ રમ્યો છે અને એમાં ૧૨માં જીત અને ૭માં હાર મળી છે તથા એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
T20માં ૨૦૦+ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરવામાં પણ પંજાબ નંબર વન
પંજાબ કિંગ્સે T20 ક્રિકેટમાં સૌથી વધુ ૧૧ વખત ૨૦૦+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. મુંબઈની ટીમ ૮ વખત સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. જોકે T20માં સૌથી વધુ ૨૦૦+ રનના ટાર્ગેટ ડિફેન્ડ ન કરવાના લિસ્ટમાં પણ પંજાબ કિંગ્સ પહેલા ક્રમે છે. પંજાબ કિંગ્સ ૧૦મી વખત ૨૦૦+નો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે હાર્યું છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ ૮ વખત સાથે બીજા ક્રમે છે.