31 August, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ દ્રવિડ
ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમ્યાન પણ રાજસ્થાન માટે આ પદ પર કામ કરનાર દ્રવિડ ભારતીય ટીમનું કોચિંગ પદ છોડ્યા બાદ ફરી રાજસ્થાન રૉયલ્સનો હેડ કોચ બન્યો હતો. રાજસ્થાન રૉયલ્સની ટીમ IPL 2025માં ૧૪માંથી માત્ર ચાર મૅચ જીતીને ૮ પૉઇન્ટ સાથે ૧૦માંથી નવમા ક્રમે રહી હતી.
રાજસ્થાન રૉયલ્સે સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ‘રાહુલ ઘણાં વર્ષોથી રૉયલ્સની સફરના કેન્દ્રમાં રહ્યો છે. તેના નેતૃત્વએ પ્લેયર્સની એક પેઢીને પ્રભાવિત કરી છે, ટીમમાં મજબૂત મૂલ્યો સ્થાપિત કર્યાં છે અને ફ્રૅન્ચાઇઝીની સંસ્કૃતિ પર અમીટ છાપ છોડી છે. ફ્રૅન્ચાઇઝીની માળખાકીય સમીક્ષાના ભાગ રૂપે રાહુલને ફ્રૅન્ચાઇઝીમાં એક મોટું પદ ઑફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે એનો સ્વીકાર કર્યો નહીં. ટીમ માટે તેની નોંધપાત્ર સેવા બદલ રાહુલનો હૃદયપૂર્વક આભાર.’
રસપ્રદ વાત એ છે કે રૉયલ્સની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે એવી ચર્ચા છે કે રેગ્યુલર કૅપ્ટન સંજુ સૅમસન પણ ટીમને છોડવા માગે છે. જો સૅમસન પણ ટીમ છોડી દે છે તો આગામી મિની ઑક્શન પહેલાં રાજસ્થાન મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જશે.