21 June, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજીવ સૂર્યવંશી
૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીના પપ્પા સંજીવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડ તરફથી મહત્ત્વની સલાહ મળી હતી. રાજસ્થાન રૉયલ્સ માટે સિલેક્ટ થયા બાદ રાહુલ દ્રવિડે વૈભવના પપ્પાને કહ્યું હતું કે ‘હવે તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે તે અમારી જવાબદારી છે. અમે તેનું ધ્યાન રાખીશું. હવે તે અમારા પરિવારનો એક ભાગ બની ગયો છે. બસ ખાતરી કરો કે તે મોબાઇલ અને ઇન્ટરનેટથી દૂર રહે. અમે તેને એક એવો પ્લેયર બનાવીશું જે દેશ માટે રમી શકે.’
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ પોતે પણ સોશ્યલ મીડિયાથી દૂર રહે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તેનું કોઈ ઑફિશ્યલ અકાઉન્ટ નથી. તેનું ૨૦૧૫માં બનેલું ફેસબુક પેજ છે જેમાં તેણે છેલ્લે ૨૦૧૯માં છેલ્લી પોસ્ટ કરી હતી. વૈભવ હવે ૨૭ જૂનથી ઇંગ્લૅન્ડ-ટૂરમાં ઇન્ડિયા અન્ડર-19 ટીમ સાથે રમતો જોવા મળશે.