ત્રીજી વાર જીતની હૅટ-ટ્રિક સાથે સીઝનની શરૂઆત કરી રાજસ્થાને

09 April, 2026 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮ની ચૅમ્પિયન ટીમે ૨૦૧૫ અને ૨૦૨૪માં આવી જ રીતે મજબૂત આરંભ કરીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો, પણ ફાઇનલમાં નહોતી પહોંચી શકી...

ત્રીજી વાર જીતની હૅટ-ટ્રિક સાથે સીઝનની શરૂઆત કરી રાજસ્થાને

રાજસ્થાન રૉયલ્સે મંગળવારે રાતે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને સીઝનની શરૂઆત જીતની હૅટ-ટ્રિક સાથે કરી છે. રાજસ્થાને આ સીઝનની પ્રથમ મૅચમાં ગુવાહાટીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૮ વિકેટે જીત સાથે શુભ શરૂઆત કરી હતી. ત્યાર બાદ અમદાવાદમાં બીજી મૅચમાં ગુજરાત ટાઇટન્સ સામે ૬ રનથી રોમાંચક જીત મેળવી હતી અને મંગળવારે વરસાદને કારણે મોડી શરૂ થયેલા ૧૧-૧૧ ઓવરના મુકાબલામાં યુવા ઓપનરો યશસ્વી જાયસવાલ અને વૈભવ સૂર્યવંશીના દમ પર ગુવાહાટીમાં મુંબઈ સામે ૨૭ રનથી વિજય મેળવ્યો હતો. સતત ત્રીજી જીત સાથે રાજસ્થાન પૉઇન્ટ-ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું હતું.
 
હવે રાજસ્થાન આ જ મેદાનમાં શુક્રવારે ગઈ વખતની ચૅમ્પિયન અને પ્રથમ બન્ને મૅચમાં શાનદાર જીત મેળવનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ટકરાશે.

૨૦૧૫માં અને ૨૦૨૪માં શું થયું હતું?
૨૦૧૫માં રાજસ્થાને સીઝનની પ્રથમ પાંચેય મૅચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. આખરે પૉઇન્ટ-ટેબલમાં ચોથા ક્રમાંકે રહીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. જોકે એલિમિનેટરમાં બૅન્ગલોર સામે ૭૧ રનથી હારીને બહાર થવું પડ્યું હતું. ૨૦૨૪માં પ્રથમ ચારેય મૅચ અને નવમાંથી આઠમાં જીત મેળવીને ચૅમ્પિયન માટે હૉટ ફૅવરિટ બની ગયું હતું. જોકે લીગ રાઉન્ડના અંતમાં ફૉર્મ ગુમાવીને છેલ્લી ચારેય મૅચ હારી જતાં ત્રીજા નંબરે રહીને પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. એલિમિનેટરમાં એ વખતે તેઓ બૅન્ગલોરને હરાવવામાં સફળ થયા હતા, પણ ક્વૉલિફાયર ટૂમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારીને ફાઇનલથી વંચિત રહી ગયા હતા.

રાજસ્થાન બધામાં ટૉપ
મંગળવારે મુંબઈને હરાવીને રાજસ્થાને પૉઇન્ટ-ટેબલમાં પ્રથમ ક્રમાંક મેળવી લીધો હતો. એ ઉપરાંત એના ઓપનર બૅટર યશસ્વી જાયસવાલે હાઇએસ્ટ ૧૭૦ રન સાથે ઑરેન્જ કૅપ અને હાઇએસ્ટ ૭ વિકેટ સાથે સ્પિનર રવિ બિશ્નોઈએ પર્પલ કૅપ પણ મેળવી લીધી હતી. 

100
જાયસવાલે IPLમાં આટલી સિક્સરનો માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો. આવી કમાલ કરનાર તે રાજસ્થાનનો ચોથો અને ઓવરઑલ ૪૨મો પ્લેયર બની ગયો હતો.

2.4
રાજસ્થાને મુંબઈ સામે ૫૦ રનનો આંકડો આટલામી ઓવરમાં પાર કરી લીધો હતો જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સંયુક્ત રીતે સેકન્ડ ફાસ્ટેસ્ટ છે. ૨.૩ ઓવરમાં બૅન્ગલોરના ૨૦૧૧માં કોચી ટસ્કર્સ કેરલા સામેના ૫૦ રન ફાસ્ટેસ્ટ છે.

rajasthan royals mumbai indians yashasvi jaiswal vaibhav sooryavanshi IPL 2026 cricket news sports news