30 March, 2026 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPL 2025ની તળિયાની ટીમો આજે સાથે કરશે નવા અભિયાનનો પ્રારંભ
IPL 2025ની તળિયાની બે ટીમ રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે ૭.૩૦ વાગ્યે ગુવાહાટીમાં ટક્કર જામશે. રાજસ્થાન રૉયલ્સના આ બીજા હોમગ્રાઉન્ડમાં બન્ને ટીમ પોતાના નવા અભિયાનનો પ્રારંભ કરશે. ગઈ સીઝનમાં બન્નેના પૉઇન્ટ ૮-૮ હતા. જોકે નેટ રનરેટના અંતરને કારણે રાજસ્થાન નવમા અને ચેન્નઈ દસમા ક્રમની ટીમ રહી હતી.
રવીન્દ્ર જાડેજા અને સંજુ સૅમસન માટે આ ઇમોશનલ મૅચ હશે, કારણ કે એક દાયકાથી વધુ સમયથી તેઓ જે ટીમ સામે રમ્યા એની વિરુદ્ધ જ આજે તેઓ રમવા ઊતરશે. રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાનનો અને સંજુ સૅમસન ચેન્નઈનો ભાગ બન્યો છે. યંગ કૅપ્ટન્સ ઋતુરાજ ગાયકવાડ અને રિયાન પરાગની કૅપ્ટન્સી સાથે વૈભવ સૂર્યવંશીની બૅટિંગ આ મૅચની મુખ્ય હાઇલાઇટ બની શકે છે. ચેન્નઈની ટીમ પહેલી વખત સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોની વિના રમવા ઊતરશે.
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા વર્ષે ૩૦ માર્ચે ચેન્નઈ અને રાજસ્થાનની એકમાત્ર ટક્કર થઈ હતી અને એમાં રાજસ્થાને ૬ રને વિજય મેળવ્યો હતો. આ સ્ટેડિયમમાં રાજસ્થાન ૬ મૅચ રમ્યું છે એમાંથી બે જ મૅચ જીત્યું છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. છેલ્લી ૧૦ ટક્કરમાં રાજસ્થાનને માત્ર બે વખત ચેન્નઈ સામે હાર મળી છે. ચેન્નઈ આ ટીમ સામે ૨૦૨૧ અને ૨૦૨૪માં છેલ્લે એક-એક મૅચ જીતી શક્યું છે.
ધોની બાદ ડેવાલ્ડ બ્રેવિસે પણ ચેન્નઈની ચિંતા વધારી
સાઉથ આફ્રિકાના બાવીસ વર્ષના બૅટર ડેવાલ્ડ બ્રેવિસ વિશે પણ મહત્ત્વપૂર્ણ અહેવાલ મળ્યા છે. અહેવાલ અનુસાર પાંસળીના સ્નાયુઓમાં ખેંચાણને કારણે તે ચેન્નઈ માટે શરૂઆતની ૨-૩ મૅચ રમી શકશે નહીં. આ પહેલાં ધોની પગના સ્નાયુઓના ખેંચાણને કારણે બે અઠવાડિયાં એટલે કે ૪થી ૬ મૅચ સુધી બહાર રહેશે એવી સંભાવના છે. કેટલાક અહેવાલોમાં ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર સ્પેન્સર જૉનસન પણ અજાણ્યા કારણસર મૅચ ગુમાવશે એવા દાવા કરવામાં આવ્યા છે.
બન્નેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
મૅચ - ૩૧
ચેન્નઈની જીત - ૧૬
રાજસ્થાનની જીત - ૧૫