ત્રીજી વખત ફાઇનલમાં પહોંચવા ગુજરાત-રાજસ્થાન વચ્ચે રસાકસીનો જંગ

29 May, 2026 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે મુલ્લાંપુરમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ક્વૉલિફાયર 2ની ટક્કર...

મુલ્લાંપુરમાં નેટ-સેશન દરમ્યાન જબરદસ્ત બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ

મુલ્લાંપુરમાં રાજસ્થાનનો જીતનો રેકૉર્ડ ૧૦૦ ટકા, ગુજરાતને હૅટ-ટ્રિક હારનો ખતરો : ગુજરાત સામે રાજસ્થાન અગાઉની બન્ને પ્લેઑફ મૅચ હાર્યું છે

IPL 2026ની ક્વૉલિફાયર 2 મૅચ આજે મુલ્લાંપુરમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. આજે જીતનારી ટીમ ૩૧ મેએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ફાઇનલ મૅચ રમવા અમદાવાદ પહોંચશે અને હારનારી ટીમના અભિયાનનો નિરાશાજનક અંત થશે. 
રાજસ્થાન અને ગુજરાતની ટીમ પાસે ત્રીજી વખત IPL ફાઇનલમાં પહોંચવાની તક છે. બન્ને ટીમે અગાઉ બે-બે વખત ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. રાજસ્થાન ૨૦૦૮માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ મૅચ રમ્યું હતું. ગુજરાતની ટીમ ૨૦૨૨માં રાજસ્થાન અને ૨૦૨૩માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ફાઇનલ મૅચ રમી હતી.
વર્તમાન સીઝનની બે ટક્કરમાં રાજસ્થાન અને ગુજરાતને એક-એક જીત મળી હતી. પહેલી ટક્કરમાં રાજસ્થાને ૨૧૧ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૬ રને જીત નોંધાવી હતી. બીજી 
ટક્કરમાં ગુજરાતે ૨૩૦ રનનો ટાર્ગેટ આપીને રાજસ્થાનને ૧૫૨ રનને ઑલઆઉટ કરીને ૭૭ રનની વિશાળ જીત મેળવી હતી.

ગુજરાત-રાજસ્થાનનો રેકૉર્ડ IPL પ્લેઑફમાં કેવો રહ્યો છે?
આ બન્ને ટીમ IPL પ્લેઑફના ઇતિહાસમાં બે વખત ૨૦૨૨માં જ સામસામે રમી છે. આ બન્ને મૅચમાં રાજસ્થાનને ગુજરાત સામે હાર મળી હતી. IPL 2024ની ક્વૉલિફાયર 1 મૅચ અને ફાઇનલ મૅચમાં ગુજરાતે રાજસ્થાન સામે સાત-સાત વિકેટે જ જીત નોંધાવી હતી. રાજસ્થાન ક્વૉલિફાયર 1માં ૧૮૯ રન અને ફાઇનલ મૅચમાં ૧૩૧ રનનો ટાર્ગેટ સેટ કરીને હાર્યું હતું. IPL પ્લેઑફના ઇતિહાસમાં રાજસ્થાનને ૧૨ મૅચમાં ૬ જીત અને ૬ હાર મળી છે. ગુજરાતને ૭ પ્લેઑફ મૅચમાં ૩ જીત અને ૪ હાર મળી છે.

ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપની રેસમાં કોણ આગળ છે?
ઑરેન્જ કૅપની રેસમાં ૧૫ મૅચમાં ૬૮૦ રન સાથે રાજસ્થાનનો વૈભવ સૂર્યવંશી પહેલા ક્રમે અને સાઈ સુદર્શન ૧૫ મૅચમાં ૬૫૨ રન સાથે બીજા ક્રમે છે. ટૉપ-15 બૅટર્સના લિસ્ટમાં ગુજરાતનો શુભમન ગિલ ૬૧૮ રન અને જૉસ બટલર ૪૯૮ રન સાથે સામેલ છે. રાજસ્થાનનો ધ્રુવ જુરેલ ૫૦૮ રન સાથે આ લિસ્ટમાં ૧૧મા ક્રમે છે. 
પર્પલ કૅપની રેસમાં બૅન્ગલોરના ભુવનેશ્વર કુમાર (૨૬ વિકેટ) સાથે ગુજરાતના કૅગિસો રબાડા (૨૬  વિકેટ)એ સૌથી વધુ વિકેટ લીધી છે. આ બન્ને બોલર બાદ રાજસ્થાનના જોફ્રા આર્ચરે સૌથી વધુ ૨૪ વિકેટ લીધી છે. 
આ સીઝનના ટૉપ-15 બોલર્સના લિસ્ટમાં ગુજરાતનો રાશિદ ખાન (૧૯ વિકેટ), મોહમ્મદ સિરાજ (૧૭ વિકેટ), જેસન હોલ્ડર (૧૫ વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (૧૫ વિકેટ) પણ સામેલ છે. રાજસ્થાનનો અન્ય કોઈ બોલર આ લિસ્ટમાં સામેલ નથી.

મુલ્લાંપુરમાં બન્ને ટીમ પહેલી વખત સામસામે રમશે 
બુધવારે એલિમિનેટર મૅચ જીતીને રાજસ્થાનની ટીમે મુલ્લાંપુરમાં તમામ ૪ મૅચ જીતવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. પહેલી ત્રણ મૅચમાં રાજસ્થાને હોમ ટીમ પંજાબને હરાવ્યું હતું. આ મેદાન પર ગુજરાત ત્રણ મૅચમાં એક મૅચ જીત્યું છે અને બે મૅચ હાર્યું છે. એકમાત્ર જીત ૨૦૨૪માં પંજાબ સામે મળી હતી. ત્યાર બાદ ૨૦૨૫માં મુંબઈ સામેની એલિમિનેટર મૅચ અને ૨૦૨૬માં પંજાબ સામેની લીગ-સ્ટેજ મૅચમાં ગુજરાતને હાર મળી હતી. આ મેદાન પર ગુજરાત સામે હૅટ-ટ્રિક હારનો ખતરો ઊભો થયો છે. આ મેદાન પર ગુજરાત-રાજસ્થાન પહેલી વખત સામસામે રમશે. 

IPL પ્લેઑફમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ 
ડ્વેઇન બ્રાવો - ૧૯ મૅચમાં ૨૮ વિકેટ 
રવિચન્દ્રન અશ્વિન - ૨૪ મૅચમાં ૨૧ વિકેટ 
રવીન્દ્ર જાડેજા - ૨૪ મૅચમાં ૨૧ વિકેટ
મોહિત શર્મા - ૧૦ મૅચમાં ૨૦ વિકેટ 
ટ્રેન્ટ બોલ્ટ - ૧૩ મૅચમાં ૧૯ વિકેટ 

IPL પ્લેઑફમાં સૌથી વધુ રન કરનાર બૅટર્સ
સુરેશ રૈના - ૨૪ મૅચમાં ૭૧૪ રન 
મહેન્દ્ર સિંહ ધોની - ૨૮ મૅચમાં ૫૨૩ રન 
શુભમન ગિલ - ૧૨ મૅચમાં ૪૭૭ રન 
વિરાટ કોહલી - ૧૮ મૅચમાં ૪૩૯ રન 
સૂર્યકુમાર યાદવ - ૧૩ મૅચમાં ૪૦૬ રન 

rajasthan royals shubman gill IPL 2026 cricket news sports news gujarat titans