25 February, 2026 11:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ચોથી સદી ફટકારવાની ઉજવણી કરતો જમ્મુ ઍન્ડ કાશ્મીરનો શુભમ પુંડિર અને કર્ણાટક તરફથી પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ ઝડપી હતી.
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ફાઇનલ મૅચનો ગઈ કાલે હુબલીમાં પ્રારંભ થયો હતો. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર જમ્મુ ઍન્ડ કાશ્મીરે પહેલા દિવસે ૮૭ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૨૮૪ રન ફટકાર્યા હતા. પહેલી વખત ફાઇનલ રમી રહેલી આ ટીમના બૅટર્સે એક સદી અને બે ફિફ્ટીના આધારે પહેલા જ દિવસે ૮ વખતની ચૅમ્પિયન ટીમ કર્ણાટકની કસોટી કરી હતી.
ત્રીજા ક્રમે રમી રહેલા શુભમ પુંડિર ૨૨૧ બૉલમાં ૧૨ ફોર અને બે સિક્સ ફટકારીને ૧૧૭ રને અણનમ રહ્યો હતો. ઓપનર યાવર હસને ૧૩ ફોરના આધારે ૧૫૦ બૉલમાં ૮૮ રન કર્યા હતા. પાંચમા ક્રમે રમીને ૬૭ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી નૉટઆઉટ બાવન રન કરીને સ્ટાર બૅટર અબ્દુલ સમદે રનની ગતિ વધારી હતી. કર્ણાટક તરફથી પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૬ ઓવરમાં ૩૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી.