10 November, 2025 01:44 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
આકાશ ચૌધરી
સુરતના સી. કે. પીઠાવાલા ગ્રાઉન્ડ ખાતે આયોજિત મેઘાલય-અરુણાચલ પ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફી મૅચમાં એક બોલિંગ ઑલરાઉન્ડરે બે મોટા રેકૉર્ડ બનાવ્યા હતા. મેઘાલયે પહેલો દાવ ૬૨૮-૬ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. અરુણાચલ પ્રદેશ પહેલા દાવમાં ૭૩ રને ઑલઆઉટ થતાં તેમને ફૉલો-ઑન મળ્યું. બીજી ઇનિંગ્સમાં તેમનો સ્કોર ૨૯-૩ હોવાથી મેઘાલય પાસે ૫૨૬ રનની લીડ બાકી છે.
મેઘાલયના પચીસ વર્ષના આકાશ કુમાર ચૌધરીએ આઠમા ક્રમે રમીને ટીમ માટે પહેલા દાવમાં ૧૪ બૉલમાં અણનમ ૫૦ રન કર્યા હતા. તેણે ૧૧ બૉલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી નોંધાવી હતી. આ પહેલાં ૨૦૧૨માં ઇંગ્લિશ ક્રિકેટ કલબ લેસ્ટરશરના વેઇન વાઇટે એસેક્સ ટીમ સામે ૧૨ બૉલમાં આ રેકૉર્ડ કર્યો હતો.
આકાશે લાગલગાટ કુલ ૮ સિક્સર ફટકારી હતી એને કારણે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સળંગ ૮ સિક્સર ફટકારનાર પહેલો પ્લેયર બન્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના મહાન સર ગારફીલ્ડ સોબર્સ (૧૯૬૮) અને ભારતના રવિ શાસ્ત્રી (૧૯૮૫) પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત ૬ છગ્ગા ફટકારનાર તે ત્રીજો ખેલાડી પણ બન્યો છે. આ મીડિયમ ફાસ્ટ બોલરે મૅચમાં હમણાં સુધી ત્રણ વિકેટ ઝડપી છે.