21 October, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાશ આનંદ
બિલાસપુરમાં રણજી ટ્રોફીની બીજા રાઉન્ડની મૅચના ત્રીજા દિવસે મુંબઈએ ૧૫૧ ઓવરમાં ૫૨૮-૮નો સ્કોર કરીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૫૬ ઓવર રમીને યજમાન હિમાચલ પ્રદેશે ૧૪૪ રને ત્રણ વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૪૦ રને ઢેર થનાર હિમાચલની ટીમ હજી મૅચમાં ૨૪૪ રનથી પાછળ છે.
મુંબઈએ ત્રીજા દિવસે ૧૨૪મી ઓવરમાં ૩૯૮-૪ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. સરફરાઝ ખાનના ૨૨૮ બૉલમાં ૧૯ ફોરની મદદથી ૧૫૪ રનની ઇનિંગ્સ પછી વિકેટકીપર-બૅટર આકાશ આનંદ ૨૩૯ બૉલમાં ૧૪ ફોરની મદદથી અણનમ ૧૧૭ રન કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની ચોથી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. યજમાન ટીમના ફાસ્ટ બોલર જિતેન્દર રાણાએ ૨૬ ઓવરમાં ૧૦૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગ્સમાં હિમાચલ પ્રદેશે ૨૭.૨ ઓવરમાં ૭૮ રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પુખરાજ માન ૧૧૧ બૉલમાં અણનમ ૩૮ રનની ઇનિંગ્સ રમીને ટકી રહ્યો હતો. મુંબઈના શમ્સ મુલાની, મોહિત અવસ્થી અને સિલ્વેસ્ટર ડિસોઝાને એક-એક વિકેટ મળી હતી.
સાઈ કિશોરે હૅટ-ટ્રિક સહિત ૧૦ વિકેટ ઝડપી, ઋતુરાજ ગાયકવાડે સાતમા ક્રમે રમીને સદી ફટકારી
બીજા રાઉન્ડની મૅચોના અંતિમ દિવસ પહેલાં ગઈ કાલે આસામે ત્રિપુરા સામે ૯ વિકેટે, બિહાર સામે બરોડાએ ૧૦ વિકેટે, ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે વિદર્ભે ૩ વિકેટે, ગોવા સામે ઉત્તર પ્રદેશે ૬૮ રને, સર્વિસિસની ટીમ સામે પશ્ચિમ બંગાળની ટીમે ૬૦ રને, ચંડીગઢ સામે હરિયાણાએ એક ઇનિંગ્સ અને ૨૪ રને, અરુણાચલ પ્રદેશ સામે સિક્કિમે એક ઇનિંગ્સ અને ૩૨૮ રને મોટી જીત મેળવી હતી.
કૅપ્ટન અને સ્પિનર સાઈ કિશોરે બીજી ઇનિંગ્સમાં હૅટ-ટ્રિક સહિત ૬ વિકેટ લઈને ચેપૉક સ્ટેડિયમમાં તામિલનાડુને ઉત્તરાખંડ સામે એક ઇનિંગ્સ અને ૬૬ રને જીત અપાવી હતી. તેણે આખી મૅચમાં ૭૪ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં ઉત્તરાખંડના ૧૧૩ રન સામે તામિલનાડુએ ૩૧૩ રન કર્યા હતા. ઉત્તરાખંડ બીજી ઇનિંગ્સમાં ૧૩૪ રને ઢેર થયું હતું.
પુણેમાં ઝારખંડના ૧૬૯ રન સામે મહારાષ્ટ્રની ટીમે ૫૨૭-૫ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં ૧૩૦-૧નો સ્કોર કરનાર ઝારખંડ હજી મૅચમાં ૨૨૮ રનથી પાછળ છે. મહારાષ્ટ્રના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે સાતમા ક્રમે રમવા આવીને ૧૭૨ બૉલમાં ૬ ફોર, એક સિક્સના સહારે અણનમ ૧૦૧ રન કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની દસમી સદી ફટકારી હતી. અંકિત બાવનેએ નૉટ આઉટ ૧૬૯ રન અને દિગ્વિજય પાટીલે ૧૪૮ રન કર્યા હતા.