21 April, 2026 03:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શાપૂર ઝદરાન
અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ ઝડપી બોલર શાપૂર ઝદરાન દિલ્હીની એક હૉસ્પિટલના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ૩૮ વર્ષનો શાપૂર હિમોફેગોસાયટિક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ (HLH)ના અદ્યતન સ્વરૂપથી પીડાઈ રહ્યો છે. આ એક રૅર, જીવલેણ રોગ છે જેમાં રોગપ્રતિકારક શક્તિ નિષ્ફળ થવા માંડે છે. રાશિદ ખાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સંપર્ક પાસેથી મદદ માગ્યા બાદ શાપૂરને ભારતના ફાસ્ટ-ટ્રૅક વીઝા મળ્યા હતા. ૨૦૦૯થી ૨૦૨૦ દરમ્યાન અફઘાનિસ્તાન માટે ૪૪ વન-ડે અને ૩૬ T20 રમનાર આ ખેલાડીને જાન્યુઆરીમાં પહેલી વખત હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો હતો. ૬ ફુટ ૩ ઇંચ ઊંચાઈ ધરાવતા આ ખેલાડીનું વજન ૯૮થી ઘટીને ૮૪ કિલો થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં તે ભાગ્યે જ બોલી રહ્યો છે અને સતત ઊંઘી રહ્યો છે. ૪ ભાઈઓ અને ૬ બહેનોમાં તે સૌથી મોટો છે અને થોડા સમયથી પરિવારનો સૌથી મોટો સભ્ય છે. વર્લ્ડ કપ અને IPL દરમ્યાન અફઘાનિસ્તાનના મોટા ભાગના ખેલાડીઓ હૉસ્પિટલમાં તેની મુલાકાત લઈ ચૂક્યા છે.