26 December, 2025 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૉન્ટી પાનેસર
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્પિનર મૉન્ટી પાનેસરે અંગ્રેજ ટીમના હેડ કોચ તરીકે બ્રેન્ડન મૅક્લમના સ્થાને રવિ શાસ્ત્રીની નિમણૂક કરવા વિનંતી કરી છે. ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૦-૩થી મળેલી પછડાટ બાદ ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમની બાઝબોલ બૅટિંગશૈલીની હવા નીકળી ગઈ હતી.
ભારતીય મૂળનો મૉન્ટી પાનેસર કહે છે, ‘તમારે વિચારવું પડશે કે કોણ ખરેખર ઑસ્ટ્રેલિયાને હરાવવાનું જાણે છે? તમે ઑસ્ટ્રેલિયાની નબળાઈઓનો માનસિક, શારીરિક અને વ્યૂહાત્મક રીતે કેવી રીતે ઉપયોગ કરો છો એ મહત્ત્વપૂર્ણ છે. મને લાગે છે કે રવિ શાસ્ત્રી ઇંગ્લૅન્ડનો આગામી હેડ કોચ હોવો જોઈએ.’
શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ ભારત ૨૦૧૮-૧૯ અને ૨૦૨૦-૨૧માં ઑસ્ટ્રેલિયામાં સતત ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. એ એવી સિદ્ધિઓ છે જેણે વિદેશમાં ભારતીય ક્રિકેટ પ્રત્યેની ધારણાઓ બદલી નાખી અને મહેમાન ટીમો માટે નવા માપદંડો સ્થાપિત કર્યા.