રાજસ્થાન રૉયલ્સ માટે પહેલો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યા બાદ રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે...

24 April, 2026 02:39 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

હું ગુજરાતનાં શિક્ષણ પ્રધાન રીવાબાને સમર્પિત કરું છું આ અવૉર્ડ, તેણે મને અદ્ભુત પ્રદર્શન માટે પ્રેરિત કર્યો

રવીન્દ્ર જાડેજા અને રીવાબા

ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બુધવારે રાજસ્થાન રૉયલ્સ માટે મૅચવિનિંગ પ્રદર્શન કર્યું હતું. લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેણે ૨૯ બૉલમાં ૪૩ રનની અણનમ ઇનિંગ્સ રમ્યા બાદ ૪ ઓવરમાં ૨૯ રન આપીને એક વિકેટ પણ લીધી હતી. તે પોતાની પહેલવહેલી IPL ટીમ રાજસ્થાન માટે પહેલી વખત પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો. વર્ષ ૨૦૦૮થી હમણાં સુધી રવીન્દ્ર જાડેજા ચાર ટીમો માટે IPL રમ્યો છે. એમાંથી તેણે અગાઉના ૧૬ અવૉર્ડ ચેન્નઈ માટે જ જીત્યા હતા. પહેલી વખત તેણે ચેન્નઈ સિવાયની અને પોતાની પહેલવહેલી IPL ટીમ રાજસ્થાન માટે આ અવૉર્ડ જીત્યો હતો. ભારતીય પ્લેયર્સ દ્વારા સૌથી વધુ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનાર ખેલાડીઓમાં તે રોહિત શર્મા (૨૧), વિરાટ કોહલી (૧૯ ) અને મહેન્દ્ર સિંહ ધોની (૧૮) બાદ ચોથા ક્રમે છે. બુધવારે પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યા બાદ રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબા જાડેજા માટે કહ્યું હતું કે ‘હું આ અવૉર્ડ ગુજરાતનાં શિક્ષણ પ્રધાન (મારી પત્ની)ને સમર્પિત કરવા માગું છું, કારણ કે ગઈ કાલે જ તેણે મને કહ્યું હતું કે તું કાલે કંઈક અદ્ભુત પ્રદર્શન કરવાનો છે. હું તેનો આભાર માનવા માગું છું.’ વર્તમાન સીઝનમાં જાડેજાએ રાજસ્થાન માટે ૭ મૅચમાં ૬ વિકેટ લેવાની સાથે ૧૨૮ રન પણ કર્યા છે.
ravindra jadeja rajasthan royals rivaba jadeja lucknow super giants IPL 2026 sports news sports cricket news