18 January, 2026 11:03 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
યુપીએ સતત બીજી વખત ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને કચડી નાખ્યું
નવી મુંબઈમાં ગઈ કાલે ડબલ હેડરની બપોરની ટક્કરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે યુપી વૉરિયર્ઝે બાવીસ રને રોમાંચક જીત નોંધાવી હતી. યુપીની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૮૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની ૬ વિકેટે ૧૬૫ રન કરી શકી હતી.
યુપીએ પોતાની સીઝનની બીજી જીત પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સામે નોંધાવી છે. દિલ્હી કૅપિટલ્સ (૨૦૨૫) બાદ યુપી બીજી ટીમ છે જેણે મુંબઈને એક સીઝનની બન્ને મૅચમાં હરાવી હોય. ૨૦૨૫માં દિલ્હીની એ ટીમનું નેતૃત્વ પણ મેગ લૅનિંગ કરી રહી હતી.
યુપી માટે કૅપ્ટન અને ઓપનર મેગ લૅનિંગે ૪૫ બૉલમાં ૧૧ ફોર અને બે સિક્સની મદદથી ૭૦ રન ફટકાર્યા હતા. ત્રીજા ક્રમે રમીને ફીબ લિચફીલ્ડે ૩૭ બૉલમાં ૭ ફોર અને ૩ સિક્સની મદદથી ૬૧ રનની ઇનિંગ્સ રમી હતી. ૩ વિકેટ લેનાર સ્પિનર મેલી કેર અને બે વિકેટ લેનાર ફાસ્ટ બોલર નૅટ સિવર-બ્રન્ટના તરખાટને કારણે દિલ્હીએ છેલ્લા ૧૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.
૩૦ રન આપીને બે વિકેટ લેનાર પેસ બોલર શિખા પાંડે સહિતની યુપીની બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈએ ૧૧ ઓવરમાં ૬૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મેલી કેરે ૨૮ બૉલમાં ૪૯ રન અને અમનજોત કૌરે ૨૪ બૉલમાં ૪૧ રન કરીને શાનદાર લડત આપી હતી.
ગઈ કાલની બીજી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ દિલ્હી કૅપિટલ્સને ૮ વિકેટે હરાવ્યું હતું. દિલ્હીએ પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૧૬૬ રન બનાવ્યા હતા, જેના જવાબમાં બૅન્ગલોરે ૧૯મી ઓવરમાં બે વિકેટે ૧૬૯ રન કરીને મૅચ જીતી લીધી હતી. સ્મૃતિ માન્ધનાએ ૬૧ બૉલમાં ૩ સિક્સ અને ૧૩ ફોર સાથે ૯૬ રન ફટકાર્યા હતા. દિલ્હીની આ સતત બીજી હાર હતી, જ્યારે બૅન્ગલોરની સતત ચોથી જીત હતી.
ગઈ કાલે નવી મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે યુપી વૉરિયર્ઝની ટીમ સ્પેશ્યલ પિન્ક જર્સી પહેરીને રમવા ઊતરી હતી. યુપી વૉરિયર્ઝે એજ્યુકેટ ગર્લ્સ નામની સંસ્થા સાથે ભાગીદારી કરીને ગર્લ્સ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવાના ટાર્ગેટ સાથે આ પિન્ક જર્સી પહેરી હતી. જર્સી પર એજ્યુકેટ ગર્લ્સ સાથે સંકળાયેલી ગર્લ્સના હસ્તલિખિત લેટરના અંશો જોવા મળ્યા હતા. સંસ્થાની ગર્લ્સે પોતાની કલ્પનાના ભવિષ્યને લેટરમાં શબ્દો રૂપે ઉતાર્યું હતું. જર્સી પર તેમનાં ઘણાં સપનાં શબ્દો અને ચિત્રો દ્વારા પ્રતિબિંબિત કરવામાં આવ્યાં હતાં.