29 June, 2025 06:30 AM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
યશ દયાલ (તસવીર: મિડ-ડે)
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર આઇપીએલ 2025ની ફાઇનલ જીતી ગયા બાદ ટીમ પર એક પછી એક મુસીબત આવી રહી છે. નાસભાગની ઘટના હોય કે પછી તેને લીધે ટીમ પર બૅન લગાવવાની વાતથી વિવાદ વધ્યો છે. તાજેતરમાં ફરી એક વખત આરસીબીના સ્ટાર ખેલાડી પર જાતીય શોષણ કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, અને તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આરસીબી અને ઉત્તર પ્રદેશ તરફથી ક્રિકેટ રમતો ફાસ્ટ બૉલર યશ દયાલ મુશ્કેલીમાં મૂકયો છે. એક મહિલાએ આ 27 વર્ષીય ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે લગ્નના બહાને પોતાનું શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, મહિલા ગાઝિયાબાદના ઇન્દિરાપુરમની રહેવાસી છે. મહિલાએ મુખ્ય પ્રધાનના ઓનલાઈન ફરિયાદ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી છે.
અહેવાલ મુજબ, યુપી સીએમ ઑફિસે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમના સર્કલ ઑફિસર પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. તે જ સમયે, પોલીસને IGRS પર નોંધાયેલી ફરિયાદનો ઉકેલ લાવવા માટે 21 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. મહિલાએ 14 જૂન, 2025 ના રોજ મહિલા હેલ્પલાઈન પર પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ સમગ્ર મામલે ક્રિકેટર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
મહિલાનો દાવો છે કે, યશ દયાલ 5 વર્ષથી તેની સાથે છે
યશ દયાલ વિરુદ્ધ FIR નોંધાવનાર મહિલાએ કહ્યું છે કે તે છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે સંબંધમાં હતી. આ સમય દરમિયાન તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. મહિલાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ક્રિકેટરે સંબંધ દરમિયાન તેની પાસેથી આર્થિક મદદ પણ લીધી હતી. એટલું જ નહીં, પીડિત મહિલાએ યશ દયાલ વિશે દાવો કર્યો છે કે તેણે બીજી ઘણી મહિલાઓ સાથે પણ આવું જ કર્યું છે. યશ દયાલ પર આરોપ લગાવતા મહિલાએ દાવો કર્યો છે કે તેની પાસે ચેટ રેકોર્ડ, સ્ક્રીનશૉટ, વીડિયો કોલ અને તસવીરોના રૂપમાં બધા પુરાવા હાજર છે. યશ દયાલ પર આરોપ લગાવતા મહિલાએ દાવો કર્યો છે કે તેની પાસે ચેટ રેકોર્ડ, સ્ક્રીનશોટ, વીડિયો કોલ અને તસવીરોના રૂપમાં બધા પુરાવા છે. આ કેસ પછી, યશ દયાલની મુશ્કેલીઓ ચોક્કસપણે વધવાની છે.
નાસભાગ કેસ
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ઉજવણી દરમ્યાન જે નાસભાગ થઈ હતી એ મામલે રૉયલ ચૅલેન્જર્સ બૅ.ન્ગલુરુ (RCB)ની સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં ટીમના માર્કેટિંગ હેડ નિખિલ સોસલે અને ટીમ સાથે સંકળાયેલી ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઇનમેન્ટના બે અધિકારીઓને વચગાળાના જામીન મળ્યા છે. કર્ણાટક હાઈ કોર્ટથી તેમને પાસપોર્ટ સોંપવા સહિત અનેક શરતો પર જામીન મળ્યા છે. નિખિલ સોસલે અને તેની પત્ની માલવિકા નાયક વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માનાં નજીકનાં મિત્રો છે.