13 March, 2026 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટ ટીમ
ભારતના T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટાઇટલ ડિફેન્ડ કરવા દરમ્યાનની જર્નીની રસપ્રદ વાતો શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે ‘ટીમમાં વાણીસ્વાતંય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તમારે દરેકને સાંભળવું પડે છે. તનાવપૂર્ણ ક્ષણોમાં હું દરેક પ્લેયર સાથે વાત કરવા જતો હતો, પરંતુ રિન્કુ સિંહનું અંગ્રેજી અને તિલક વર્માનું હૈદરાબાદી સાંભળીને હું ક્યારેક હસી પડતો હતો.’ કૅપ્ટન સૂર્યાએ વધુમાં કહ્યું હતું કે ‘ટીમ-મૅનેજમેન્ટે પ્લેયર્સને સુપર 8 તબક્કામાં સાઉથ આફ્રિકા સામે મળેલી હારની નિરાશાને દૂર કરવામાં અને આગળ વધવા માટે એક નવું વાતાવરણ બનાવવામાં મદદ કરી હતી. ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે પ્રૅક્ટિસ-સેશનના બેસ્ટ ફીલ્ડરને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનું શરૂ કર્યું હતું. વિડિયો-ઍનલિસ્ટે અમને છેલ્લાં બે વર્ષના ૧૦ મિનિટના અમારા પ્રદર્શનના વિડિયોઝ દેખાડ્યા એમાં બૅટર્સનો વિડિયો બાહુબલીના સૉન્ગ અને બોલર્સનો વિડિયો કેસરી-ટૂ મૂવીના ઓ શૅરા... સૉન્ગ સાથે હતો. આ નાની ક્ષણો ટીમને વધુ મજબૂત બનાવે છે.’
અમદાવાદની મૅચમાં અક્ષર પટેલને ડ્રૉપ કરવાની ભૂલ સ્વીકારી કૅપ્ટન સૂર્યાએ
૨૨ ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામેની સુપર 8ની પહેલી જ ટક્કરમાં ભારતને પોતાની T20 વર્લ્ડ કપની સૌથી ભૂંડી ૭૬ રનની હાર મળી હતી. આ મૅચમાં અમદાવાદની પિચને સારી રીતે જાણતા સ્પિન ઑલરાઉન્ડર અને વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલને ડ્રૉપ કરવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં કૅપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે ‘તેને ડ્રૉપ કરવો એ મારી ભૂલ હતી. તે ખૂબ ગુસ્સે હતો અને તેણે હોવું જોઈએ. તે એક અનુભવી ખેલાડી છે. મેં તેની માફી પણ માગી હતી.’