24 August, 2025 09:24 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રિયા સરોજ, રિન્કુ સિંહની સગાઈ તસવીર અને રિન્કુ સિંહ, શાહરુખ ખાન
ઉત્તર પ્રદેશની T20 પ્રીમિયર લીગમાં ધૂમ મચાવી રહેલા સ્ટાર બૅટર રિન્કુ સિંહે મોટો ખુલાસો કર્યો છે. ૮ જૂને સંસદસભ્ય પ્રિયા સરોજ સાથે સગાઈ કરનાર રિન્કુ સિંહે કહ્યું કે ‘મેં મારી સગાઈ પહેલાં શાહરુખસર સાથે વાત કરી હતી અને તેમને આમંત્રણ પણ આપ્યું હતુ, પરંતુ તેઓ શૂટિંગમાં વ્યસ્ત હોવાથી ત્યાં આવી શક્યા નહોતા. મેં તેમને મારાં લગ્નમાં આવવાનું પણ આમંત્રણ આપ્યું છે. જોઈએ કે તેઓ આવે છે કે નહીં.’
વ્યસ્ત ક્રિકેટ શેડ્યુલ વચ્ચે રિન્કુનાં લગ્ન આ વર્ષે નવેમ્બરમાં થશે પણ તારીખ હજી સ્પષ્ટ થઈ નથી.
પોતાના પ્રેમપ્રકરણ વિશે રસપ્રદ વાત શૅર કરતાં રિન્કુએ કહ્યું કે ‘એ વર્ષ ૨૦૨૨માં કોવિડ દરમ્યાન શરૂ થયું હતું જ્યારે મુંબઈમાં IPL ચાલી રહી હતી. મારા એક ફૅન-પેજે પ્રિયાના ગામમાં મતદાન કરતી તસવીર પોસ્ટ કરી હતી. પ્રિયાની બહેન ફોટો અને વિડિયો શૂટ કરે છે. એટલે મને લાગે છે કે તેણે ફૅન-પેજને મદદ માટે એક તસવીર પોસ્ટ કરવા કહ્યું હતું. મેં એ તસવીર જોઈ અને મને તે ગમી. મને લાગ્યું કે તે મારા માટે યોગ્ય છે. મેં તેને મેસેજ કરવાનું વિચાર્યું, પણ પછી મને લાગ્યું કે એ યોગ્ય નહીં હોય.’
રિન્કુએ વધુમાં કહ્યું કે ‘તેણે સોશ્યલ મીડિયા પર મારા કેટલાક ફોટો લાઇક કર્યા. પછી મેં તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો અને આ રીતે બધું શરૂ થયું. પછી અમે ચૅટિંગ શરૂ કર્યું. થોડાં અઠવાડિયાંમાં અમે નિયમિત વાત કરવાનું શરૂ કર્યું. એથી મને વર્ષ ૨૦૨૨થી પ્રેમનો અનુભવ થવા લાગ્યો હતો.’
IPLમાં કયા કારણે બદનામ થયો રિન્કુ સિંહ?
૨૭ વર્ષનો રિન્કુ માને છે કે સ્ટાર બૅટર્સ પાસેથી બૅટ માગવાને કારણે તે બદનામ થઈ ગયો છે. તેણે કહ્યું કે ‘હું બૅટ માટે થોડો વધારે બદનામ થઈ ગયો છું. પહેલાં હું વિરાટ કોહલીને વારંવાર મળતો અને પછી બૅટ માગતો. આ વખતે IPL 2025માં મને માહીભાઈ અને રોહિતભાઈ પાસેથી બૅટ મળ્યાં. મારા માટે આવા ખેલાડીઓ પાસેથી બૅટ મેળવવું એ ખૂબ મોટી વાત છે. મેં પોતે ઘણાં બધાં બૅટ આપ્યાં છે. જેમને જરૂર હોય તેમને હું બૅટ આપું છું, પણ જેમની પાસે કોઈ બ્રૅન્ડ-કૉન્ટ્રૅક્ટ છે તેમને હું આપતો નથી.’