T20 ધુરંધર ફિનિશર રિન્કુ સિંહે પપ્પાની છત્રછાયા ગુમાવી

28 February, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સમયે ગૅસ-સિલિન્ડર વેચતા ખાનચંદ સિંહ સ્ટેજ-ફોર કૅન્સરના દરદી હતા, ચેન્નઈથી અલીગઢ પહોંચીને અંતિમ સંસ્કારમાં ભાગ લીધો

ક્રિકેટર રિન્કુ સિંહ (જમણે) તેના પપ્પા ખાનચંદ સિંહ સાથે

ભારતના ૨૮ વર્ષના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહના પપ્પા ખાનચંદ સિંહનું ગઈ કાલે ગ્રેટર નોએડાની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. રિન્કુ સિંહ ઝિમ્બાબ્વે સામેની મૅચ બાદ ચેન્નઈથી સીધો ઉત્તર પ્રદેશના અલીગઢ પહોંચીને અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો હતો. ૬૦ વર્ષના ખાનચંદ સિંહના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમયાત્રા સ્મશાનગૃહ તરફ જતી વખતે શોકગ્રસ્ત રિન્કુએ તેના પપ્પાના મૃતદેહને ખભા પર ઉઠાવ્યો હતો. ખાનચંદ સિંહે છેલ્લા એક વર્ષમાં સ્ટેજ-ફોર કૅન્સર સામે લડ્યા બાદ શુક્રવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. એક સમયે ખાનચંદ સિંહ ગૅસ-સિલિન્ડર વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ઝિમ્બાબ્વે સામેની ગુરુવારની મૅચ પહેલાં ખરાબ તબિયતના સમાચાર મળતાં જ રિન્કુ સિંહ અમદાવાદથી ગ્રેટર નોએડાની હૉસ્પિટલમાંથી પપ્પાને મળવા પહોંચ્યો હતો. ઝિમ્બાબ્વે સામેની મૅચ પહેલાં તે ટીમ સાથે જોડાઈ ગયો હતો, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. જોકે અન્ય પ્લેયર્સના બ્રેક-ટાઇમ દરમ્યાન તે ફીલ્ડિંગ કરવા મેદાનમાં આવ્યો હતો અને હાથમાં આવેલો એક કૅચ છોડી દીધો હતો. પહેલી માર્ચે કલકત્તામાં ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની ક્વૉર્ટર ફાઇનલ જેવી મૅચ છે. કેટલાક અહેવાલો અનુસાર રિન્કુ સિંહ આ મૅચ પહેલાં નૅશનલ ડ્યુટી માટે ભારતીય T20 વર્લ્ડ કપ સ્ક્વૉડ સાથે જોડાઈ જશે. તે વર્તમાન ટુર્નામેન્ટમાં પાંચ મૅચમાં રમ્યો છે અને અનુક્રમે ૬ રન, ૧ રન, ૧૧ રન અણનમ, ૬ રન અણનમ અને ઝીરોનો સ્કોર જ કરી શક્યો છે. 

rinku singh sports news sports t20 world cup indian cricket team cricket news