રિષભ પંતે ઉત્તરાખંડમાં જમીન ખરીદવા માટે મુખ્ય પ્રધાનને મધરાતે મદદની અપીલ કરી

09 August, 2026 09:15 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

જન્મસ્થળ પર જમીન ખરીદવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છે

ઋષભ પંત અને પુષ્કર સિંહ ધામી

શ્રીલંકા ટૂર પર ગયેલા રિષભ પંતે મધરાતે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બે પોસ્ટ શૅર કરીને સૌને ચોંકાવી દીધા હતા. મધરાતે ૧૨.૪૬ અને ૧૨.૫૬ વાગ્યે બે પોસ્ટ કરીને ઉત્તરાખંડમાં જમીન ખરીદવા માટેના સંઘર્ષનો ઉલ્લેખ કરીને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સામે તેણે મદદની અપીલ કરી હતી. 
પહેલી પોસ્ટમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ટૅગ કરીને રિષભ પંતે લખ્યું, ‘નમસ્તે સાહેબ, કેમ છો? હું ઉત્તરાખંડનો વતની છું પણ અહીં પાછા ફર્યાને ઘણો સમય થઈ ગયો છે. હું દિલ્હીથી ઉત્તરાખંડમાં શિફ્ટ થવા માટે જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મને રહેવા માટે યોગ્ય જગ્યા ધરાવતી મિલકત મળી શકી નથી. હું ઉત્તરાખંડને ખૂબ પ્રેમ કરું છું. જમીન મેળવવામાં તમારી મદદ માટે હું નમ્ર વિનંતી કરું છું, કારણ કે આજકાલ સારો, સ્પષ્ટ પ્લૉટ શોધવો ખૂબ મુશ્કેલ બની ગયો છે.’
રિષભ પંતે આગળ લખ્યું કે ‘એક પ્લૉટ સંબંધિત જમીનનો મામલો પેન્ડિંગ છે જે મને રાજ્યનો સક્રિય રીતે પ્રચાર કરતી વખતે ફાળવવામાં આવવાનો હતો. બાકીનું બધું પાછળ છોડીને હું મારા મૂળ તરફ પાછા ફરવા, ઉત્તરાખંડના વિકાસમાં યોગદાન આપવા અને મારા સાથી પહાડી લોકો વચ્ચે રહેવા માગું છું. કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો. ત્રણ વર્ષ વીતી ગયાં છે અને મને હજુ સુધી જમીન મળી નથી. હું તમારા પ્રતિભાવની રાહ જોઉં છું.’
રિષભ પંતે બીજી પોસ્ટમાં લખ્યું કે ‘ઇન્ટરનૅશનલ સ્તરે મારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું એ ખૂબ જ ગર્વની વાત છે. જો તમે મને પરવાનગી આપો તો હું સરકાર પાસેથી નિર્ધારિત દરે જમીન ખરીદવા માગું છું જેથી હું મારા પોતાના રાજ્યમાં મારું પહેલું ઘર બનાવી શકું. કૃપા કરીને મને આમાં મદદ કરો. સાચું કહું તો એ કેવી રીતે કરવું એની મને સમજ નહોતી.’
રિષભ પંત મૂળ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રૂડકીનો રહેવાસી છે. રિષભ પંત છેલ્લાં બે વર્ષથી ઉત્તરાખંડનો હાઇએસ્ટ ટૅક્સપેયર પણ રહ્યો છે. કોઈ ક્રિકેટર આ રીતે જાહેરમાં પોતાની મુશ્કેલી સરકાર સામે રજૂ કરે એવી ઘટના ભારતમાં ભાગ્યે જ બને છે.

મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ મદદનું આશ્વાસન આપ્યું

સવારે ૮.૫૪ વાગ્યે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ રિષભ પંતની ટ્વીટનો જવાબ આપતાં લખ્યું કે ‘પ્રિય રિષભ, તું ઉત્તરાખંડનું ગૌરવ છે. શાનદાર પ્રદર્શન અને સિદ્ધિઓ દ્વારા તેં રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ‘દેવભૂમિ’ને ગૌરવ અપાવ્યું છે. તારા વતન પ્રત્યેનો તારો પ્રેમ અને અહીં પાછા ફરવાની અને યોગદાન આપવાની તમારી ઇચ્છા ખરેખર પ્રશંસનીય છે. તેં ઉઠાવેલા મુદ્દા અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેઓ ટૂંક સમયમાં તારો સંપર્ક કરશે અને નિયમો અનુસાર શક્ય તમામ સહાયની ખાતરી કરશે.’

Rishabh Pant pushkar singh dhami uttarakhand dehradun haridwar cricket news sports news sports social media twitter