રોડ સેફ્ટી ટી૨૦માં સચિનની ટીમ ફરી ચૅમ્પિયન

03 October, 2022 12:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિકેટકીપર નમન ઓઝાના મૅચવિનિંગ ૧૦૮, દિલશાન ફરી સિરીઝનો સુપરસ્ટાર

રોડ સેફ્ટી ટી૨૦માં સચિનની ટીમ ફરી ચૅમ્પિયન

દેશભરના મોટા ભાગના વિસ્તારોમાં થતા માર્ગ-અકસ્માતો પર અંકુશ લાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી નિવૃત્ત તેમ જ પોતાના દેશની ઇન્ટરનૅશનલ ટીમની બહાર થઈ ગયેલા ખેલાડીઓ વચ્ચે રમાતી રોડ સેફ્ટી ટી૨૦ વર્લ્ડ સીઝનની બીજી સીઝનમાં પણ સચિન તેન્ડુલકરની ઇન્ડિયા લેજન્ડ્સ ટીમ ચૅમ્પિયન બની છે. શ્રીલંકા લેજન્ડ્સ ટીમ સતત બીજી વાર રનર-અપ બની છે.

સચિન પહેલા બૉલમાં આઉટ

શનિવારે રાયપુરની ફાઇનલમાં ઇન્ડિયા લેજન્ડ્સે વિકેટકીપર-ઓપનર નમન ઓઝા (૧૦૮ અણનમ, ૭૧ બૉલ, બે સિક્સર, પંદર ફોર) અને વિનયકુમાર (૩૬ રન, ૨૧ ફોર, એક સિક્સર, ચાર ફોર)ની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૫ રન બનાવ્યા હતા. નમને માત્ર ૬૮ બૉલમાં સદી પૂરી કરી હતી. યુવરાજ સિંહ ૧૯ અને ઇરફાન પઠાણ ૧૧ રન બનાવી શક્યા હતા. હરીફ ટીમના નુવાન કુલસેકરાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કૅપ્ટન સચિન તેન્ડુલકર પોતાના પહેલા જ બૉલમાં (કુલસેકરાના બૉલમાં) ક્લીન બોલ્ડ થઈ ગયો હતા. સુરેશ રૈના ફક્ત ૪ રન બનાવી શક્યો હતો.

શ્રીલંકા લેજન્ડ્સ ટીમ ૧૯૬ રનના લક્ષ્યાંક સામે ૧૬૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં ઈશાન જયરત્નેના ૫૧ રન હાઇએસ્ટ હતા. સનથ જયસૂર્યા ૮ રન, કૅપ્ટન તિલકરત્ને દિલશાન ૧૧ રન અને ઉપુલ થરંગા ૧૦ રન બનાવી શક્યો હતો. ઇન્ડિયા લેજન્ડ્સ વતી વિનયકુમારે ત્રણ અને અભિમન્યુ મિથુને બે વિકેટ લીધી હતી.

નમન સર્વશ્રેષ્ઠ વિકેટકીપર

નમન ઓઝાને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયા બાદ દિલશાનને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. દિલશાન સતત બીજી સીઝનમાં આ પુરસ્કાર જીત્યો છે. આ વખતે તેણે કુલ ૧૯૨ રન બનાવવા ઉપરાંત પાંચ વિકેટ લીધી હતી તેમ જ સૌથી વધુ પાંચ કૅચ પકડ્યા હતા. વિકેટકીપર તરીકે નમન ઓઝાના ૧૦ શિકાર તમામ વિકેટકીપર્સમાં સૌથી વધુ હતા.

sports sports news cricket news sachin tendulkar t20