07 June, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈકે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન્સ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સહિત નવા T20 કૅપ્ટન શ્રેયસ ઐયર સાથે ફોટો પડાવવાની તક ઝડપી લીધી હતી.
ગઈ કાલે સાંજે વાનખેડે સ્ટેડિયમમાં ટ્રાયમ્ફ્સ નાઇટ્સ અને સોબો મુંબઈ ફાલ્કન્સની મૅચના ટૉસ દરમ્યાન ભારતનો T20 વર્લ્ડ કપ 2024નો વિજેતા કૅપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. આઇકન પ્લેયર શ્રેયસ ઐયર ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમવાનો હોવાથી સોબો મુંબઈ ફાલ્કન્સનો સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન આદિત્ય તરે ટૉસ માટે આવ્યો હતો અને તેણે પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. ટૉસ હાર્યા બાદ ભારતના ભૂતપૂર્વ T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ‘શ્રેયસ ઐયર માટે ખૂબ ખુશ છું. અમે મુંબઈ અને ભારત માટે સાથે મળીને ઘણું ક્રિકેટ રમ્યા છીએ. સૌથી અગત્યનું એ છે કે હવે મુંબઈથી ભારત માટે સતત ૩ T20 કૅપ્ટન છે અને મુંબઈ ક્રિકેટમાં આપણા બધા માટે આ ખૂબ ગર્વની ક્ષણ છે.’ રોહિત શર્મા મેદાન છોડતાં પહેલાં વૉર્મ-અપ કરી રહેલા શ્રેયસ ઐયરને મળ્યો હતો.