રિટાયરમેન્ટ અને હકાલપટ્ટીની વાતો સામે જડબાતોડ જવાબ આપ્યો રોહિત શર્માએ

05 January, 2025 09:33 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

મને ડ્રૉપ નથી કરવામાં આવ્યો, હું પોતે જ આ ટેસ્ટમાંથી બહાર રહ્યો છું એમ જણાવતાં રોહિત શર્મા કહે છે... `સેન્સિબલ આદમી હૂં, મૅચ્યૉર્ડ આદમી હૂં, દો બચ્ચે કા બાપ હૂં... તો મેરે પાસ થોડા સા દિમાગ હૈ કિ મેરે કો લાઇફ મેં ક્યા ચાહિએ`

રોહિત શર્મા

બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ત્રણ ટેસ્ટ-મૅચમાં માત્ર ૩૧ રન બનાવનાર કૅપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી હટી ગયો એ પછી રિટાયરમેન્ટ અને કૅપ્ટન્સી છોડવાની અફવાઓ વચ્ચે તેણે આવી વાતો કરતા લોકોને બરાબર સંભળાવી દીધું હતું. કૉમેન્ટેટર જતિન સપ્રુ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ સાથેના ઇન્ટરવ્યુમાં તેણે કેટલાંક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં...

સિડની ટેસ્ટમાંથી મને ડ્રૉપ, નાપસંદ કરવામાં કે આરામ આપવામાં આવ્યો નથી. હું આ ટેસ્ટમાંથી બહાર રહ્યો છું. હેડ કોચ અને સિલેક્ટરે પણ મારા નિર્ણયને સમર્થન આપ્યું છે. મેં તેમને કહ્યું કે મારા બૅટથી રન નથી આવી રહ્યા એથી મેં બહાર રહેવાનો નિર્ણય કર્યો છે.

સિડની ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય વ્યક્તિગત સ્તરે મુશ્કેલ હતો, પરંતુ ટીમ મારા માટે સર્વોપરી છે અને એથી મેં બહાર બેસવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણય રિટાયરમેન્ટ કે ગેમથી હટવાનો નથી. હું અહીં જ છું, ક્યાંય નથી જઈ રહ્યો. એક બંદા કોઈ અંદર માઇક લેકે બૈઠા હૈ યા લૅપટૉપ લેકે બૈઠા હૈ યા પેન લેકે બૈઠા હૈ... ક્યા લિખતા હૈ ક્યા બોલતા હૈ ઉસસે હમારા લાઇફ ચેન્જ નહીં હોતા હૈ... હમને યે ગેમ ખેલા હૈ ઇતને સાલ સે... તો યે લોગ નહીં ડિસાઇડ કર સકતે કિ હમ કબ જાએં યા હમ કબ નહીં ખેલેં યા હમેં કબ બાહર બૈઠના હૈ યા હમ કબ કપ્તાની કરેં... સેન્સિબલ આદમી હૂં, મૅચ્યૉર્ડ આદમી હૂં, દો બચ્ચે કા બાપ હૂં... તો મેરે પાસ થોડા સા દિમાગ હૈ કિ મેરે કો લાઇફ મેં ક્યા ચાહિએ.

આ બધી અફવાઓ અમને અસર કરતી નથી, કારણ કે અમે પ્લેયર્સ સ્ટીલના બનેલા છીએ. અમે પ્લેયર્સને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. અમે કેટલીક વસ્તુઓને નિયંત્રિત કરી શકતા નથી અને અમે એની ચિંતા કરવા માગતા નથી.

હું રમવા માટે આટલે દૂર આવ્યો છું. હું બહાર બેસી રાહ જોવા નથી આવ્યો. હું મૅચ રમીને જીતવા માગું છું. ૨૦૦૭માં જ્યારથી હું પહેલી વાર ભારતીય ડ્રેસિંગ રૂમનો ભાગ બન્યો છું ત્યારથી મારો એકમાત્ર ઉદ્દેશ ટીમ માટે મૅચ જીતવાનો રહ્યો છે.

હું અને બુમરાહ અત્યારે કૅપ્ટન છીએ. અમારા પહેલાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની આ પદ પર હતા. આ બધાએ કૅપ્ટન્સીનું પદ પોતાની મહેનતથી પ્રાપ્ત કર્યું છે. અમને કોઈએ આ થાળીમાં પીરસીને નથી આપ્યું. ભાવિ પ્લેયર્સને આ પદ મળી શકે છે, પણ તેમને સખત મહેનત કરવા દો. અમારા પ્લેયર્સમાં ઘણી ટૅલન્ટ છે.

ભારતના કૅપ્ટન બનવું સરળ બાબત નથી. પ્રેશર હોય છે, પરંતુ એ એક મહાન સન્માન છે. આપણો ઇતિહાસ અને જે રીતે આપણે ક્રિકેટ રમી રહ્યા છીએ એ જોતાં એ એક મોટી જવાબદારી છે.

એક ટીમનું નેતૃત્વ કરતી વખતે તમારે સ્વીકારવું પડશે કે તમારી પાસે હંમેશાં સારા દિવસો નહીં આવે. આજે પણ મારી માનસિકતા અને વિચારપ્રક્રિયા એવી જ છે જે રીતે હું ૫-૬ મહિના પહેલાં કૅપ્ટન્સી કરતો હતો, પરંતુ કેટલીક વાર તમને સારું પરિણામ મળતું નથી.

હું જાણું છું કે ૧૪૦ કરોડ લોકો અમને જોઈ રહ્યા છે. હું મારી જાત પર શંકા કરવા માગતો નથી. હું જાણું છું કે હું જે કરી રહ્યો છું એ યોગ્ય છે. હું કૅપ્ટન્સીને લઈને મારો અભિગમ બદલવા માગતો નથી.

દરેક જણ મેદાનમાં આવીને મૅચ જીતવા માગે છે. મને કહો, બીજી કઈ ટીમે અહીં બે વાર સિરીઝ જીતી છે? અમારી પાસે સોનેરી તક હતી. અમે સિરીઝ જીતી શકતા નથી, પરંતુ અમે એને ડ્રૉ કરી શકીએ છીએ. તેમને પણ જીતવા નહીં દઈએ.

rohit sharma test cricket cricket news sports sports news border gavaskar trophy