19 April, 2025 10:30 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા ફેબ્રુઆરી ૨૦૨૪માં વિશાખાપટનમમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન ‘કોઈ ગાર્ડન મેં નહીં ઘૂમેગા’ કેમ બોલ્યો હતો એનો ખુલાસો તેણે પોતે કર્યો છે. જિયોહૉટસ્ટાર પર રોહિતે કહ્યું કે ‘વિશાખાપટનમમાં બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન મેં જોયું કે ઓવર પૂરી થયા પછી પ્લેયર્સ બગીચામાં હોય એમ આરામથી ફરતા હતા. કોઈ દોડતું નહોતું, મેદાનમાં કોઈ ઉતાવળ નહોતી. હું સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો, અમારી પાસે બન્ને છેડેથી સ્પિનરો બોલિંગ કરી રહ્યા હતા. રમત સરકી રહી હતી, એ એક મહત્ત્વપૂર્ણ રમત હતી, અમારે જીતવું જ હતું.’
રોહિતે આગળ કહ્યું, ‘મેં સવારે પ્લેયર્સને કહ્યું હતું કે આપણે થોડી વધારાની મહેનત કરવાની જરૂર છે, પરંતુ તેઓ મેદાન પર મજા કરી રહ્યા હતા. મેં બે-ત્રણ ઓવર સુધી રમત જોઈ અને પછી કહ્યું કે બધું આ રીતે ન ચાલે, તમે આ રીતે ક્રિકેટ ન રમી શકો. હરીફ ટીમની એક ભાગીદારી ચાલી રહી હતી, હું વિકેટ મેળવવા માટે ઉત્સુક હતો. આવી ક્ષણોમાં દરેકે સામૂહિક પ્રયાસ કરવાની જરૂર છે. એ સમયે મેં જોયું કે બધા પોતાનામાં વ્યસ્ત હતા, જે મને ગમ્યું નહીં.’