12 October, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્માએ શુક્રવારે શિવાજી પાર્કમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી
રોહિત શર્માએ શુક્રવારે શિવાજી પાર્કમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરી એ સમયના બે વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. તેની પ્રૅક્ટિસ જોવા આવેલા એક ફૅન દ્વારા શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં દાવો કરવામાં આવ્યો કે રોહિત શર્માએ ફટકારેલા એક શૉટથી શિવાજી પાર્કની બહાર પાર્ક કરેલી તેની લમ્બોર્ગિનીને નુકસાન થયું હતું. મેદાનની બહાર સિક્સર ફટકાર્યા બાદ બૉલ કાર પર પડવાનો અવાજ આવતાં હિટમૅને પોતાના એક સાથીને નુકસાન વિશે તપાસ કરવાનો સંકેત કર્યો હતો.
અન્ય એક વિડિયોમાં રોહિત શર્માનો પર્સનલ ટ્રેઇનર અભિષેક નાયર બૉડીગાર્ડની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે ફૅન્સની ભીડમાંથી રોહિત શર્માને જવાનો રસ્તો કરતો અને તેને નુકસાન ન પહોંચાડવાની અપીલ કરતો જોવા મળ્યો હતો. ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટર અને સહાયક કોચે રોહિત શર્માને ગોળમટોળમાંથી ફિટ ઍન્ડ ફાઇન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.