27 August, 2025 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા પર ગઈ કાલે રોહિત શર્માનો તેના બિલ્ડિંગ નીચેનો વિડિયો વાઇરલ થયો
સોશ્યલ મીડિયા પર ગઈ કાલે રોહિત શર્માનો તેના બિલ્ડિંગ નીચેનો વિડિયો વાઇરલ થયો હતો. પોતાની નવી લમ્બોર્ગિનીમાં બેસીને ફિટનેસ-સેશન માટે જવા તૈયાર હતો ત્યારે તે ટ્વિન્સ સિસ્ટર જેવી દેખાતી બે ફૅન-ગર્લ્સે બનાવેલા પેઇન્ટિંગને જોઈને રોકાઈ ગયો હતો. તેમણે બનાવેલા હિટમૅનના પેઇન્ટિંગ પર ઑટોગ્રાફ આપીને તેણે તે બન્નેનાં મમ્મી-પપ્પા સાથે ફોટો પડાવવા માટે પણ સમય કાઢ્યો હતો. રોહિતે તેની નમ્રતા અને હૂંફથી ફૅન-ગર્લ્સને મીઠી યાદગીરી આપી હતી.
ટેસ્ટ-ક્રિકેટ માનસિક રીતે ખૂબ પડકારજનક અને થકવી નાખનારી ગેમ છે : રોહિત
મુંબઈમાં ગઈ કાલે એક ઇવેન્ટ દરમ્યાન ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટ પર મોટું નિવેદન આપ્યું છે. હાલમાં જ ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર રોહિત શર્માએ કહ્યું કે ‘ટેસ્ટ-ક્રિકેટ માટે લાંબા કલાકો રમવાની જરૂર પડે છે. તમારે પાંચ દિવસ ટકી રહેવું પડે છે. માનસિક રીતે એ ખૂબ જ પડકારજનક અને થકવી નાખે એવું છે. બધા ક્રિકેટર્સ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમીને મોટા થયા છે.’
ગઈ કાલે રોહિત શર્માએ CEAT ટાયર્સની ઇવેન્ટમાં હાજરી આપી હતી.
તેણે વધુમાં કહ્યું કે ‘બધા યુવા પ્લેયર્સ પોતાની કરીઅરની શરૂઆતમાં સારી તૈયારીનું મહત્ત્વ સમજતા નથી, પરંતુ તેઓ આગળ જતાં એનું મહત્ત્વ સમજે છે. જ્યારે તમે સૌથી લાંબા ફૉર્મેટમાં રમી રહ્યા છો ત્યારે એકાગ્રતા સૌથી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તમે જ્યારે ઉચ્ચ સ્તરના પ્રદર્શનની અપેક્ષા રાખો છો ત્યારે હંમેશાં માનસિક રીતે ફ્રેશ રહેવું જરૂરી છે. માત્ર ક્રિકેટમાં જ નહીં, જીવનમાં પણ તૈયારી સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. ૩૮ વર્ષના આ ભૂતપૂર્વ ટેસ્ટ-કૅપ્ટને ૬૭ ટેસ્ટ-મૅચમાં ૧૨ સદી અને ૧૮ ફિફ્ટીના આધારે ૪૩૦૧ રન ફટકાર્યા હતા.