રૉસ ટેલર ચોથી એપ્રિલે હોમટાઉનમાં રમશે છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ

31 December, 2021 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતા મહિને બંગલાદેશ સામેની ટેસ્ટ રમીને ટેલર ભૂતપૂર્વ સુકાની ડૅનિયલ વેટોરીના ૧૧૨ ટેસ્ટના કિવી રેકૉર્ડની બરાબરી કરશે

રૉસ ટેલર

ન્યુ ઝીલૅન્ડના ગ્રેટેસ્ટ ક્રિકેટરોમાં ગણાતા રૉસ ટેલરે કહ્યું છે કે તે વર્તમાન ડોમેસ્ટિક સીઝન પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે. મોટા ભાગે ચોથી એપ્રિલની હોમટાઉન હૅમિલ્ટનમાં નેધરલૅન્ડ્સ સામે રમાનારી વન-ડે તેની અંતિમ મૅચ બનશે.
વેટોરીના રેકૉર્ડની બરાબરી કરશે
આવતા મહિને બંગલાદેશ સામેની ટેસ્ટ રમીને ટેલર ભૂતપૂર્વ સુકાની ડૅનિયલ વેટોરીના ૧૧૨ ટેસ્ટના કિવી રેકૉર્ડની બરાબરી કરશે. ટેલરની એ છેલ્લી ટેસ્ટ હશે. ત્યાર પછી તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં નહીં રમે, પણ ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાં રમશે અને પછી નેધરલૅન્ડ્સ સામેની વન-ડે પણ રમશે.
ન્યુ ઝીલૅન્ડનો ટૉપ-સ્કોરર
રૉસ ટેલર ટેસ્ટ અને વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડનો ટૉપ-સ્કોરર છે. તેણે 
ટેસ્ટ-ક્રિકેટમાં ૧૯ સદી સાથે ૭૫૮૪ રન બનાવ્યા છે. કેન વિલિયમસન ૭૨૭૨ રન સાથે બીજા નંબરે છે, 
પણ વિલિયમસન ૨૪ સેન્ચુરી સાથે તેનાથી આગળ છે. વન-ડેમાં ટેલરે ૮૫૮૧ રન બનાવ્યા છે જે તમામ કિવી પ્લેયરોમાં હાઇએસ્ટ છે. સ્ટીફન ફ્લેમિંગ (૮૦૦૭) બીજા સ્થાને છે. વન-ડેમાં કિવીઓમાં ૨૧ સેન્ચુરીનો વિક્રમ ટેલરના નામે છે.

"૧૭ વર્ષની શાનદાર કરીઅરમાં મને સતત સપોર્ટ કરવા બદલ હું મારા પરિવારનો, મિત્રોનો અને ચાહકોનો આભારી છું. થૅન્ક-યુ અને ગુડબાય કરવા માટે મારી પાસે હજી ઘણા દિવસ છે. એ પહેલાં હું મારી બધી ઊર્જાને આગામી સિરીઝ માટે કામે લગાડવા માગું છું." : રૉસ ટેલર

"ટેલર ખૂબ રિઝર્વ્ડ પ્લેયર છે, પરંતુ તેની ગેરહાજરી ટીમને ખૂબ વર્તાશે. જ્યારે અમે જીતીએ ત્યાર બાદ તે ડ્રેસિંગરૂમમાં અમારા બધાથી અલગ ખૂણામાં બેસીને વાઇન અથવા કોઈ ડ્રિન્ક લઈને વિજય સેલિબ્રેટ કરતો હોય છે." : ટિમ સાઉધી

sports sports news cricket news new zealand