18 September, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. પી. સિંહ અને પ્રજ્ઞાન ઓઝા
ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીના બે મેમ્બર્સ એસ. શરથ અને સુબ્રતો બૅનરજીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી તેમનું સ્થાન લેવા બે ભૂતપૂર્વ ક્રિકેટરો લેફ્ટ-આર્મ પેસર આર. પી. સિંહ અને લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
આર. પી. સિંહે ૨૦૦૭ના T20 વર્લ્ડ કપમાં ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૬ મૅચમાં ફાઇનલમાં પાકિસ્તાન સામેની ૩ વિકેટ સહિત ૧૨ વિકેટ લીધી હતી. આ વર્લ્ડ કપ બાદ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં પણ તેનો પર્ફોર્મન્સ શાનદાર રહ્યો હતો. ડોમેસ્ટિકમાં તે મોટા ભાગે ઉત્તર પ્રદેશ વતી રમ્યો છે. છેલ્લે તે ગુજરાત ટીમ તરફથી રમ્યો હતો અને ૨૦૧૬-’૧૭માં પાર્થિવ પટેલના નેતૃત્વમાં રણજી ચૅમ્પિયન બનનાર ટીમમાં પણ તે સામેલ હતો. સેન્ટ્રલ ઝોન વતી આર. પી. સિંહ સુબ્રતો બૅનરજીનું સ્થાન લેશે જ્યારે ૧૦૦થી વધુ વિકેટ લેનાર પ્રજ્ઞાન ઓઝા સાઉથ ઝોન વતી એસ. શરથનું સ્થાન લેશે. શરથ જુનિયર સિલેક્શન કમિટીનો ચૅરમૅન બનવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમ વતી આર. પી. સિંહ ૧૪ ટેસ્ટ, ૫૯ વન-ડે અને ૧૦ T20 ઇન્ટરૅનશલન મૅચ રમ્યો છે જ્યારે પ્રજ્ઞાન ઓઝા ૨૪ ટેસ્ટ, ૧૮ વન-ડે અને ૬ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.