રાજસ્થાન રૉયલ્સે હારનો સિલસિલો રોકીને ટૉપ ફોરમાં ફરી એન્ટ્રી મારી

20 May, 2026 02:13 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

મિચલ માર્શના ૯૬ રનની મદદથી લખનઉએ પાંચ વિકેટે ૨૨૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, રાજસ્થાને વૈભવના ૯૩ રનના આધારે ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૨૨૫ રન કરીને જીત મેળવી

૩૮ બૉલમાં ૯૩ રન ફટકારનાર વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનના ડગઆઉટ તરફ A શબ્દનો સંકેત કરીને ફિફટીનું સેલિબ્રેશન કર્યું હતું.

IPL 2026માં રાજસ્થાન રૉયલ્સે હૅટ-ટ્રિક હારનો સિલસિલો રોકીને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની જીતની મદદથી પ્લેઑફની દાવેદારી મજબૂત બનાવી લીધી હતી. લખનઉએ મિચલ માર્શના ૯૬ રનની મદદથી પાંચ વિકેટે ૨૨૦ રનનો સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં ૧૫ વર્ષના વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીની વૈભવી બૅટિંગના આધારે લખનઉએ ૧૯.૧ ઓવરમાં ૨૨૫-૩નો સ્કોર કરીને જયપુરમાં આ સીઝનની પહેલી જીત મેળવી હતી. ૭ વિકેટની જીત સાથે રાજસ્થાન પૉઇન્ટ-ટેબલમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. મુંબઈ સામે અંતિમ મૅચમાં જીત મેળવીને રાજસ્થાન ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં સ્થાન પાક્કું કરી શકશે. પોતાની અંતિમ મૅચો જીતીને પંજાબ ૧૫ પૉઇન્ટ, ચેન્નઈ ૧૪ પૉઇન્ટ, દિલ્હી ૧૪ પૉઇન્ટ અને કલકત્તા ૧૫ પૉઇન્ટ સુધી પહોંચી શકશે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર લખનઉના ઓપનર્સે ૩.૩ ઓવરમાં પોતાની ફાસ્ટેસ્ટ ટીમ ફિફ્ટી કરીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. મિચલ માર્શે ૫૭ બૉલમાં ૯૬ રન અને જૉશ ઇંગ્લિસે ૭ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૨૯ બૉલમાં ૬૦ રન કર્યા હતા. બન્ને વચ્ચે ૮.૧ ઓવરમાં ૧૦૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. કૅપ્ટન રિષભ પંતે ૨૩ બૉલમાં બે ફોર અને બે સિક્સ ફટકારીને ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી સ્પિનર યશરાજ પુંજાને બે વિકેટ અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને એક વિકેટ મળી હતી. 

60 હાઇએસ્ટ પાવરપ્લે સિક્સ એક સીઝનમાં ફટકારી રાજસ્થાને. ૨૦૨૪માં હૈદરાબાદે ૫૯ પાવરપ્લે સિક્સ ફટકારી હતી.

રન-ચેઝ દરમ્યાન વૈભવ સૂર્યવંશીએ ૨૪૪.૭૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૮ બૉલમાં ૭  ફોર અને ૧૦ સિક્સ ફટકારીને ૯૩ રન કર્યા હતા. યશસ્વી જાયસવાલે ૨૩ બૉલમાં ૮ ફોર અને એક સિક્સ ફટકારીને ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. ધ્રુવ જુરેલે ૩૮ બૉલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સની મદદથી અણનમ ૫૩ રન કર્યા હતા. લખનઉ માટે ફાસ્ટ બોલર આકાશ સિંહ અને મોહસિન ખાને એક-એક વિકેટ લીધી હતી.

બે ખેલાડી નર્વસ-નાઇન્ટીનો શિકાર

ગઈ કાલે મિચલ સ્ટાર્ક અને વૈભવ સૂર્યવંશી નર્વસ-નાઇન્ટીનો શિકાર બન્યા હતા. ૯૦ રનનો સ્કોર કર્યા બાદ બે બૅટર્સ સદી ચૂક્યા હોય એવી આ ટુર્નામેન્ટની બીજી જ ઘટના છે. પહેલી વખત ૨૦૧૩માં ચેપૉકમાં ચેન્નઈ-કલકત્તાની મૅચમાં માઇક હસી ૯૫ રન અને મનવિન્દર બિસ્લા ૯૨ રન કરીને આઉટ થયા હતા. 

સતત બીજી વખત મિચલ માર્શ રનઆઉટ થઈને સદી ચૂક્યો

લખનઉ સુપર જાયન્ટ્સનો ઓપનર મિચલ માર્શ ગઈ કાલે ૫૭ બૉલમાં ૧૧ ફોર અને પાંચ સિક્સ ફટકારીને ૯૬ રન કરીને રનઆઉટ થયો હતો. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પણ ૯૦ રન ફટકાર્યા બાદ તે ૯૦ રને રનઆઉટ થયો હતો. IPLમાં ૯૦ રનના સ્કોરે પહોંચ્યા બાદ બે વખત રનઆઉટ થનાર તે પહેલો બૅટર બન્યો છે. 

એક IPL સીઝનમાં સૌથી વધુ વખત ૯૦ રન કર્યા બાદ સદી ચૂકનાર ખેલાડીઓમાં ગ્લેન મૅક્સવેલ સૌથી આગળ છે. ગ્લેન મૅક્સવેલ ૨૦૧૪માં ત્રણ વખત ૯૦ રનનો સ્કોર પાર કર્યા બાદ સદી ચૂક્યો છે. આ લિસ્ટમાં મિચલ સ્ટાર્ક બે વખત સાથે બીજા ક્રમે આવ્યો છે. સતત બે ઇનિંગ્સમાં ૯૦+નો સ્કોર કરવાના મામલે મિચલ માર્શે જૉસ બટલરની બરાબરી કરી છે. તે ૨૦૧૮માં ૯૫ રન અને ૯૪ રન કરીને અણનમ રહ્યો હતો.

IPL પૉઇન્ટ્સ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રનરેટ

પૉઇન્ટ

બૅન્ગલોર

૧૩

+૧.૦૬૫

૧૮

ગુજરાત

૧૩

+૦.૪૦૦

૧૬ 

હૈદરાબાદ

૧૩

+૦.૩૫૦

૧૬ 

રાજસ્થાન

૧૩ 

૬ 

+૦.૦૮૩ 

૧૪ 

પંજાબ

૧૩ 

+૦.૨૨૭

૧૩

ચેન્નઈ

૧૩

-૦.૦૧૬

૧૨ 

દિલ્હી

૧૩

-૦.૮૭૧

૧૨ 

કલકત્તા

૧૨

-૦.૦૩૮

૧૧

મુંબઈ

૧૨

-૦.૫૦૪

૮    

લખનઉ

૧૩ 

-૦.૭૦૨

૮ 

મિચલ માર્શ લખનઉ સુપર જાયન્ટ્સ માટે સતત બે સીઝનમાં ૫૦૦+ રન કરનાર પહેલો ખેલાડી બન્યો છે.  આ સીઝનમાં ૫૬૩ રન કરનાર મિચલ માર્શે ૨૦૨૫માં ૬૨૭ રન કર્યા હતા.

આ સીઝનમાં બીજી વખત કૅપ્ટન બની મેદાન પર ઊતર્યો યશસ્વી જાયસવાલ

ગઈ કાલે જયપુરમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સની આગેવાની યશસ્વી જાયસવાલે કરી હતી. રેગ્યુલર કૅપ્ટન રિયાન પરાગ હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો નહોતો. અગાઉ ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં ઇન્જર્ડ રિયાન પરાગના સ્થાને પહેલી વખત યશસ્વી કૅપ્ટન્સી કરવા ઊતર્યો હતો. જોકે રાજસ્થાને ૭૭ રને હારનો સામનો કરવો પડયો હતો.

vaibhav sooryavanshi mitchell marsh IPL 2026 rajasthan royals sports news sports cricket news lucknow super giants yashasvi jaiswal