વૈભવ સૂર્યવંશી ફ્લૉપ, પણ તેણે મૅક્સવેલનો રેકૉર્ડ તોડ્યો

23 April, 2026 02:33 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

૧૧ બૉલમાં ૮ રન, માત્ર ૨૨૭ બૉલમાં ફાસ્ટેસ્ટ ૫૦૦ રન બનાવનાર બૅટર બન્યો

વૈભવ સૂર્યવંશી

૧૫ વર્ષનો રાજસ્થાન રૉયલ્સનો બૅટર વૈભવ સૂર્યવંશી ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૧ બૉલમાં બે ફોર સાથે ૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે તેણે એ દરમ્યાન IPLમાં ૫૦૦ રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે માત્ર ૨૨૭ બૉલમાં ૫૦૦ રનનો આંકડો પાર કરીને ગ્લેન મૅક્સવેલનો રેકૉર્ડ તોડ્યો હતો. IPLમાં ફાસ્ટેસ્ટ ૫૦૦ રન બનાવવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલના નામે હતો. મૅક્સેવેલે ૨૬૦ બૉલમાં ફાસ્ટેસ્ટ ૫૦૦ રન બનાવ્યા હતા, વૈભવે માત્ર ૨૨૭ બૉલમાં આ કમાલ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ પહેલાં ભારતીયોમાં પ્રિયાંશ આર્ય ટૉપ પર હતો અને તેણે ૨૭૮ બૉલમાં ૫૦૦ રન બનાવ્યા હતા. વૈભવે આ સિદ્ધિ માત્ર ૧૪મી ઇનિંગ્સમાં મેળવી હતી. ઇનિંગ્સની દૃષ્ટિએ તે સૌથી ઝડપી ભારતીય બૅટર બન્યો છે. ઓવરઑલ સંયુક્ત રીતે ત્રીજો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો છે. આ મામલે ઑસ્ટ્રેલિયાનો શૉન માર્શ ૧૧ ઇનિંગ્સ સાથે ટૉપ પર છે, જ્યારે તેના જ દેશનો મૅથ્યુ હેડન ૧૩ ઇનિંગ્સ સાથે બીજા ક્રમાંકે છે. વૈભવે ૧૪ ઇનિંગ્સ સાથે વેસ્ટ ઇન્ડીઝના લેન્ડલ સિમોન્સની બરોબરી કરી લીધી હતી. સાંઈ સુદર્શન, ડેવોન કૉન્વે અને જૉની બેરિસ્ટો ૧૬ ઇનિંગ્સ સાથે ચોથા તથા ઋતુરાજ ગાયકવાડ અને માઇકલ હસી ૧૭ ઇનિંગ્સ સાથે પાંચમા ક્રમાંકે છે. રાજસ્થાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૪૩ રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસિન ખાને બે-બે વિકેટ લીધી હતી.

IPLમાં ફાસ્ટેસ્ટ ૫૦૦ રન બનાવનાર

વૈભવ સૂર્યવંશી

૨૨૭ બૉલ

ગ્લેન મૅક્સવેલ

૨૬૯ બૉલ

પ્રિયાંશ આર્ય

૨૭૮ બૉલ

વીરેન્દર સેહવાગ

૨૮૦ બૉલ

નમન ધીર

૨૮૩ બૉલ

રાજસ્થાનનું કમબૅક લખનઉની ચોથી હાર

સતત ચાર જીત સાથે સીઝનની શાનદાર શરૂઆત કર્યા બાદ સતત બે હાર સાથે ફસડાઈ ગયા બાદ  રાજસ્થાન રૉયલ્સે ગઈ કાલે લખનઉને ૪૦ રનથી હરાવીને કમબૅક કર્યું હતું. આ જીત સાથે રાજસ્થાન પૉઇન્ટ-ટેબલમાં બીજા ક્રમાંકે પહોંચી ગયું હતું. રાજસ્થાને આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે લખનઉ ૧૮ ઓવરમાં ૧૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. લખનઉની આ સતત ચોથી હાર હતી. લખનઉ વતી ઓપનર મિચલ માર્શે આ સીઝનની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારીને ૫૧ બૉલમાં ૫૫ રન બનાવ્યા હતા; પણ કૅપ્ટન રિષભ પંત, આયુષ બદોની અને વાઇસ કૅપ્ટન એઇડન માર્કરમ ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. લાંબા ઇન્તેજાર બાદ મેદાનમાં ઊતરેલો લખનઉનો પેસ બોલર મયંક યાદવ ફ્લૉપ રહ્યો હતો.  ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર તેણે ૫૬ રન આપ્યા હતા.

vaibhav sooryavanshi rajasthan royals lucknow super giants glenn maxwell IPL 2026 sports news sports cricket news