ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો, એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી બનાવ્યા ૪૩ રન

28 November, 2022 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તર પ્રદેશ સામે બનાવ્યો રેકોર્ડ

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં એક મોટો કારનામો કર્યો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે (Ruturaj Gaikwad Record) એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કારનામો કર્યો હતો. તેની સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.

ઉત્તર પ્રદેશ સામે બનાવ્યો રેકોર્ડ

ઉત્તર પ્રદેશ સામે મહારાષ્ટ્રના ઑપનર ગાયકવાડે મેચની 49મી ઓવરમાં સિક્સરનો વરસાદ કર્યો હતો. આ ઓવરમાં તેણે ઉત્તર પ્રદેશના બોલર શિવા સિંહ પર 6 બોલમાં 7 સિક્સ ફટકારી હતી. આ 7 સિક્સરની મદદથી તેણે યુપી સામે બેવડી સદી પણ ફટકારી હતી. તેણે આ મેચમાં 159 બોલમાં 220 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી.

1 ઓવરમાં 43 રન બનાવ્યા

ગાયકવાડે યુપી સામે સતત સાત સિક્સર ફટકારીને મોટા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. આ ઓવરમાં તેણે 43 રન બનાવ્યા હતા. યુપી સામેની તેની ઇનિંગ્સમાં તેણે લિસ્ટ Aના ઇતિહાસમાં સૌથી વધુ રન ઓવરની બરાબરી કરી છે. ગાયકવાડ પહેલા બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે વર્ષ 2018માં એક ઓવરમાં 43 રન બનાવ્યા હતા. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડ રોહિત શર્મા, એન જગદીશન પછી એક ઇનિંગમાં 16 છગ્ગા મારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો: ઐતિહાસિક આરંભ : હર્લી ગાલાનો તરખાટ, બીકેસીમાં હિપ હિપ હુર્રે...

sports news cricket news vijay hazare trophy